આહવા: ઘરે નાનું બાળક કોકના ભરોસે મૂકીને ડ્યુટી પર જવાનું થાય ત્યારે એ ત્રીસ બત્રીસની ઉંમરની માતા કરે કરે તોય કેટલું કાળજું કઠણ કરી શકે? એ તો જેણે આ સહન કર્યું હોય તે જ જાણે. આજે કેટલાય માબાપ પોતાના સંતાનને એક સેકન્ડ પણ તેમનાથી અળગા થવા દેતા નથી. ત્યારે, આઠ આઠ કે ક્યારેક દસ દસ કલાક સુધી પોતાના લાડકવાયાને કોકના ભરોસે મૂકી, મુસાફર જનતાની સેવા કરતી એ મહિલા કંડકટર એવી માતાની વાત આજે અહીં કરવી છે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી.બસોમાં છેલ્લા એક દાયકા ઉપરથી મહિલા કંડક્ટરોની એક આખી ફોર્સ કામ કરી રહી છે. આમ તો મહિલાઓ પણ કોઈ પણ ક્ષેત્રે ક્યારેય પુરૂષથી પાછળ રહી નથી. પરંતુ રોડ ઉપર દોડતી બસમાં સતત આગળ પાછળ ફરીને મુસાફરોને ટિકિટ આપવી, નિયત સ્થળે તેમને સહી સલામત રીતે ઉતારવા- ચઢાવવા, કેટલાક માથાભારે તો ક્યારેક ટપોરી છાપ લોકો સાથે પનારો પડે તો તેમાંથી માર્ગ કાઢવો, ક્યારેક અકસ્માત કે એવા આકસ્મિક સમયે ધીરજ ધરવી, પોતાની શારીરિક મર્યાદાઓ સાથે પોતાનું અને એસ.ટી.નિગમનું માન સન્માન જાળવવું, આ બધું ધારીએ એટલું સહેલું નથી હોતું.

દરરોજની સરેરાશ બસો ત્રણસો કિલોમીટરની ડ્યુટી માટે શારીરિક અને માનસિક સજ્જતા અને, મક્કમ મનોબળ પણ જરૂરી છે તેમ જણાવતા તાડપાડા (વાંસદા)ના સુમિત્રા પટેલ કહે છે કે, ઘરે નાના બાળકો અને વૃદ્ધ માતાપિતાને આડોસ પાડોશના ભરોસે રાખી, ખૂબ મોટું મન રાખીને ફરજ બજાવવી પડે છે. બીલીમોરાના નીલમ ભંડારી પોતાના પિયર અને સાસરીની બેવડી જવાબદારી સાથે, તેમની ફરજ નિભાવી રહી છે, તેમ જણાવે છે. તે જ રીતે ભીનાર (વાંસદા) ના નિમિષા પટેલ પણ તેનું નાનું બાળક પરિવારને સોંપી તેની ફરજ બજાવી રહી છે. ફરજ દરમિયાન ક્યારેક અણછાજતા બનાવો પણ બને છે, તો ક્યારેક કોઈ પીધ્ધડ કે છેલબટાઉ મુસાફર સાથે પણ પનારો પડી જતો હોય છે, તેમ જણાવતા આહવાના હેતલ ઠાકરે કહે છે કે, આવા સમયે ખૂબ જ સંયમપૂર્વક કામ લેવું પડે છે. પણ, ડ્રાયવર ભાઈઓનો સારો સહકાર મળી રહેતો હોય, બધું સાચવી લઈએ છે.

વલસાડ એસ.ટી.ડિવિઝનના આહવા ડેપોમાં ડાંગ જિલ્લાની બે, અને અન્ય જિલ્લાની ૨૭ મળી કુલ ૨૯ લેડી કંડક્ટર ફરજ બજાવી રહી છે. તેમ જણાવતા ડેપો મેનેજર શ્રી કિશોર પરમારે જણાવ્યું હતું કે, જંગલ વિસ્તારમાં અનેક નાની મોટી તકલીફી વચ્ચે, કોઈ પણ જાતની ફરિયાદ વિના પુરુષ કર્મચારીઓ સાથે ખભેખભા મિલાવી મુસાફર જનતાની સેવામાં જોડાયેલી GSRTC ની આ મહિલા ફોર્સ, નિગમનું નામ રોશન કરી રહી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન દેશની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનું છે. એ દિશામાં દેશ મક્કમ રીતે આગળ પણ વધી રહ્યો છે. સરકારી અને ખાનગી કામકાજના સ્થળે મહિલા કર્મીઓની સુરક્ષા અને સલામતિ માટેના પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે. ત્યારે સમાજે અને આવી મહિલાઓના પરિવારે પણ સન્માનની દ્રષ્ટિ સાથે મહિલાઓની આ ભાગીદારી, અને ફરજ નિષ્ઠાને માનભરી નજરે જોવું રહ્યું. પુરુષો પાસે મહિલાઓ સાથેના સૌજન્યપૂર્ણ વ્યવહારની અપેક્ષા પણ અસ્થાને નથી.