આહવા: ‘ડાંગ દરબાર’ તેના ઐતિહાસિક મહત્વને લીધે આજે વૈશ્વિક અભ્યાસનો વિષય બની રહ્યો છે ત્યારે, ડાંગના ઈતિહાસને નવી પેઢી સમક્ષ ઉજાગર કરવાનો ભગીરથ પ્રયાસ કરનારા, માજી ધારાસભ્ય અને સંશોધનકર્તા વડીલ શ્રી ગોવિંદભાઈ પટેલ (બાગુલ) ના લેખોમાંથી કેટલાક અલભ્ય પ્રસંગો તેમની અનુમતિથી નવી પેઢી માટે પ્રસ્તુત છે.
ડાંગ પ્રદેશ ધરતી ઉપરનો સુંદર બગીચો…
Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મધ્યમ-પશ્ચિમ ભારત ખંડના સાતપુડા-સહ્યાદ્રી પર્વત માળાનો પહાડી અને સમૃદ્ધ ગાઢ જંગલોથી ભરપુર કુદરતી સુંદર બગીચો, નાની મોટી ખળ ખળ વહેતી નદીઓ, અહી વહેતા માનવ, જીવજંતુઓ તથા પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન. માનવો ભલે તે જમાનામાં વધુ ભણેલા ગણેલા ન હતા. છતાં ભલા, ભોળા, સમજદાર અને ખડતલ, વફાદાર તથા બુધ્ધીશાળી હતા.
ડાંગ પ્રદેશ અણ વિકસિત પહાડી, જંગલ વિસ્તાર હોઈ, તેને જે તે વખતે ‘અંધારિયા ખંડ’ તરીકે બહારના લોકો ઓળખતા. પાછળથી તે આદિવાસી વિસ્તાર તરીકે ગણાયો.
અગાઉ સાતપુડા અને સહ્યાદ્રી પર્વત માળાનો જંગલ વિસ્તાર બાગલાણ દેશ (સ્ટેટ)માં હતો. પાછળ જતા આ વિસ્તારમાં ૨૩ જેટલા નાના મોટા રાજાઓ ઉભા થયા. જેમાં ડાંગ પ્રદેશમાં ભીલ લોકોની વસ્તી વધુ હતી. જેને પરિણામે આ પ્રદેશમાં ભીલ જાતિના ૫ રાજાઓ અને ૯ નાઈકો (મુખીયાઓ) ઉભા થયા. તેઓ રાજાની ભૂમિ તથા જંગલને પ્રાણથી પણ વધુ ચાહતા.બીજાની દખલગીરી ક્યારેય સહન કરતા નહી.
મુખ્ય રાજાઓ અને નાઈકો
(૧) ગાઢવી (૨) લીંગા (૩) દહેર ભોવતી (૪) વાસુર્ણા (૫) પીંપરી (૬) પીપલાઈદેવી (૭) વાડયાવન (૮) બિલબારી (૯) ઝરી-ગારખડી (૧૦) કિરલી (૧૧) પલસ વિહીર (૧૨) શિવબારા (૧૩) કેટ્ક કડુપાડા (૧૪) દુધે (૧૫) ચીંચલી.
રાજાઓ અને પ્રજા જંગલ આધારિત જીવન જીવતા. શિકાર, માછલા, કંદમૂળ, મધ, ફળ વગેરે તેમનો મુખ્ય ખોરાક હતા. સમય જતા ડાંગના આજુ-બાજુના વિસ્તારમાથી ખેતીના જાણકાર અનાજ, કઠોળ તથા અન્ય ધાન્યને ઉગાડનારાઓને રાજાઓએ બોલાવી, રાજાઓની જમીન ખેતી કરવા માટે તેઓને આપી. જેથી તેઓ ખેતી કરતા થયા. ઉત્પાદન માંથી રાજાઓ, કુંવરો, નાઈકો અને સિપાહીઓને ભાગ આપતા. ખેતી કરવા આવનારાઓમાં કુનબી, કુંકણા, વારલી, ગામિત, કાથુડીયા વિગેરેનો ડાંગની વસ્તીમાં વધારો થયો. સૌ હળી મળીને રહેતા. ખેતી ઉત્પાદને જોઈને કેટલાક ભીલ લોકો પણ અનાજ, કઠોળની તેલીબીયા વિગેરેની ખેતી કરતા થયા.
ઈ.સ ૧૮૦૪ માં બાગલાણ દેશ(સ્ટેટ) ને કંપની (અંગ્રેજ) સરકારે તાબામાં લીધું. બાગ્લાણની રાજધાની મુલ્હેર અને સાલ્હેર ઉપર અંગ્રેજોએ કબજો જમાવ્યો. ત્યારથી અંગ્રેજો ડાંગ પ્રદેશ ઉપર કબજો જમાવાના પ્રયત્નો કરતા રહેતા. અંગ્રેજો દુનિયામાં રાજ કરતા હતા. ડાંગના સમૃધ્ધ જંગલની કિંમત સમજતા હતા. ઈ.સ. ૧૮૧૮ માં અંગ્રેજોએ ડાંગમાં પ્રવેશવાના જોરદાર પ્રયત્નો શરૂ કર્યા. જેથી સામનો કરનારા રાજા મુખિયાઓ પૈકી (૧) ગોવિંદ નાઈક (૨) દશરથ નાઈક (૩) કાળુ નાઈક (૪) રૂપસિંગ નાઈક (૫) જીવાજી નાઈક (૬) ગાઢવીના શીલ્પ્તસીંગ નાઈકને ફાંસી આપવામાં આવી. જેથી લોકોમાં ખળભળાટ મચી ગયો.
અંગ્રેજોએ ઈ.સ. ૧૮૨૩ માં ખાન દેશ પ્રાંતના બ્રીગ્જ કલેક્ટરની મધ્યસ્થીથી ઉપાય કરી, રાજ રાજાઓ પાસે રહેશે. પરંતુ જંગલ લીઝ ઉપર કંપની સરકારને આપવું તેવી ગોઠવણ કરી. આ અંગે વારંવાર વાટાઘાટો બાદ ઈ.સ. ૧૮૪૧ માં પુના ખાતે અંગ્રેજો અને રાજાઓ, નાઈકો વચ્ચે કરાર કર્યા. રાજાઓને જંગલ લીઝ (ભાડે) ના બદલે વર્ષાસન આપવું. ઈ.સ. ૧૮૪૨ માં ડાંગ દરબાર, આહવા ખાતે ભરી જંગલના બદલામાં વર્ષાસન રૂપે રોકડા નાણા રાજાઓ, નાઈકો, અને ભાવબંધોને ચૂકવવાનું શરૂ કર્યું.
ભારત આઝાદ થયા પછી ઈ.સ. ૧૯૪૭ માં મુંબઈ રાજ્યમાં ડાંગના પાંચ રાજ્યો, નાઈકોને એક સમૂહ “સ્ટેટ ઓફ ગ્રુપ” ગણી ડાંગને જિલ્લાનું સ્થાન આપ્યું. મુંબઈ રાજયમાં સમાવેશ કર્યો.
ઈ.સ. ૧૯૬૦, ૧લી મે ના રોજ મુંબઈ રાજયનું વિલીનીકરણ (વિભાજન) થયું. જેમાથી મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યો બન્યા. જેમાં ડાંગનો ગુજરાત રાજયમાં સમાવેશ થયો. તે વખતે ગુજરાત રાજયની સ્થાપના દિનની ઉજવણી થનાર હોવાથી, તે વખતના મુખ્યપ્રધાન ડો. જીવરાજભાઈ મહેતાએ, ડાંગના ગુજરાત તરફી આગેવાન છોટુભાઈ નાયક અને બીજા આગેવાનોની સલાહ લીધી, અને કહ્યું કે, ડાંગ ગુજરાતમાં આવ્યા પછી તમારી શું અપેક્ષા છે ? ત્યારે આગેવાનોએ કહ્યું કે, ડાંગને બે વસ્તુઓ આપો. (૧) ડાંગના લોકોના માથેથી સંપૂર્ણ સરકારી દેવું માફ કરવું, અને (૨) ડાંગના જંગલ ઉત્પાદનની રકમ માટે ડાંગના વિકાસના હેતુથી ડાંગ રીઝર્વ ફંડ ઉભું કરવું, અને તે ડાંગની સરકારી તિજોરીમાં જમા કરવામાં આવે. આ બંને બાબતોનો ગુજરાત સરકાર તરફથી સ્વીકાર કરવામાં આવ્યો. ડાંગના લોકો ખુબ ખુશ થયા.
આજે ડાંગ ‘અંધારિયા ખંડ’ના બદલે રાજ્યના અન્ય વિકાશીલ પ્રદેશો સાથે ખભેખભો મિલાવી, વિકાસની દોડમાં હરણફાળ ભરી રહ્યું છે.
ઈતિહાસના પ્રસંગો એક જ વખત બને છે. તેના સાક્ષી થવાનો મોકો મળતો નથી. પરંતુ પુસ્તકો વાંચવાથી અને લોકવાર્તા-કથા સાંભળવાથી ઇતિહાસ જાણવા મળે છે.
ડાંગના રાજા (રાજ દરબારી) ઓનો પેહરવેશ
ડાંગના રાજાઓ ઉંચા કસાયેલા મજબૂત બાંધાના ખડતલ શરીર ધરાવતા. તેઓ રાજ દરબારમાં અલગ તરી આવતા.
તેમના પહેરવેશમાં મુખયત્વે ત્રણ સફેદ ધોતીનો ઉપયોગ થતો. માથા ઉપર સફેદ મોટી પાઘડી, પાછળ પાઘડીનો લાંબો છેડો. કમરથી પગની પાટલી સુધી ઠૂંસીને પહરેલ લાંબી ધોતી. કેટલાક ઘૂંટણ સુધી ધોતી પેહરતા. ગળામાં કિમતી આભૂષણો. હાથ પગમાં કડા, પોચી વિગેરે. પગમા મોજડી, બુટ, ખાંધ ઉપર લાંબુ સફેદ ઘડી વાળેલું ધોતી. આવો હતો તેઓનો જાજરમાન પહેરવેશ. મોટા ભાગે રાજ દરબારીઓ પણ સફેદ પહેરવેશ ધારણ કરતા. જેમાં પ્રધાનો-કુંવર-સિપાઈ, જરૂર પડે ત્રણ ધોતીમાંથી ૧ ધોતી જમીન ઉપર પાથરીને, ને એક ધોતી ઓઢીને સૂઈ જતા. પાઘડીને કદી નુકશાન ન કરતા. સાચવીને મૂકતા, અને પહેરતા. પાઘડીનું કદી અપમાન થવા દેતા નહી. શિર કલમ થાય તો વાંધો નહી, પરંતુ પાઘડીનું સન્માન જાળવતા, ઝૂકતાં નહિ.
ઘરેણાં
૧. કાનમાં સોનાના કુંડલ (કૂડક્યા) પગરા (સાંકળ આકારના ડિઝાઈન વાળું)
૨. પાઘડીમાં સોનાના તૂરા (કલગી) હારે,
૩. શરીર ઉપર સફેદ ખમીશ તેના ઉપર રંગીન સોના, ચાંદીના બટન, નાની સાંકળ વાળી બદન બંડી પણ હોય.
૪. ગળામાં સોના ચાંદી વિવિધ પ્રકારના હાર કુંડા.
૫. કમર ઉપર પોચી, સોના ચાંદીના પટ્ટા જેવા કમર પટ્ટા.
૬. હાથમાં કંગની-કડા.
૭. પગમાં ડિઝાઈનવાળા સોના ચાંદીના કડા-મોજડી
રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે :
( ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: 03: ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪મા રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામા આવનાર છે.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજયમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૩ થી તા. ૩૧/૦૧/૨૦૨૩ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ,અધ્યાતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી આંગી એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ લાવવાની રહેશે.
રાજયમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓના પાક લઘુત્તમ ટેકાના ભાવ વેચાણ કરવા ઈચ્છુક હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત હોઈ આ માટે સંબંધિત ગ્રામપંચાયતોનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
ખરીદી સમયે ખેડૂતે પોતાનુ આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓટોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે જેની નોંધ લેશો.
નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખાસ નોંધ લેશો. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્ર જોગ સંદેશ ;
(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: 03: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૪.૦૩.૨૦૨૩ થી તા.૦૬.૦૩.૨૦૨૩ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, અને આંણદ સાઉથ ગુજરાતના જિલ્લાઓ જેવા સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓ અને સોરાસ્ટ્ર અને કચ્છ વિસ્તારના કચ્છ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પવન સાથે કમોસમી માવઠું /સામાન્ય વરસાદની આગાહી થયેલ છે.
ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા માટે તકેદારીના પગલા લેવા જણાવ્યુ છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયુ છે.
આ અંગે ખેડુતોને વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.
“સશકત અને સુપોષિત કિશોરી અભિયાન” અંતર્ગત આહવા ખાતે કિશોરી મેળો યોજાયો;
(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: 03: ડાંગ જિલ્લામા ચાલી રહેલ “સશકત અને સુપોષિત કિશોરી અભિયાન” અંતર્ગત આજરોજ આહવા ટીમ્બર હોલ ખાતે જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ ચેરમેન શ્રીમતી સારૂબેન એમ.વળવીના અધ્યક્ષ સ્થાને કિશોરી મેળો યોજવામા આવ્યો હતો.
આહવા ખાતે આયોજિત આ મેળામા 100થી વઘુ કિશોરીઓએ અને આંગણવાડી બહેનોએ ભાગ લીઘો હતો. કાર્યક્રમમા ઉપસ્થિત વકતાઓ દ્વારા કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનુની સલાહ, ઘરેલુ હિંસા, તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી.
ગુજરાત સરકારની 100 ટકા રાજય પુરસ્કૃત કાર્યાન્વિત પુર્ણા યોજના વિશે ખાસ કરીને કિશોરીઓને જાણકારી આપવામા આવી હતી. આ યોજના હેઠળ પોષણ અને પોષણ સિવાયની સેવાઓ આપવામા આવે છે.
આહવા ખાતે આયોજિત આ કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, અભયમ ટીમ તેમજ મોટી સંખ્યામા કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.

