છોટાઉદેપુર : મધ્યપ્રદેશ સરહદી ગુજરાતનો છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, હોળીની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટની શરૂઆત થઈ જતી હોય છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાનાં આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા પાણીબાર વાળા જણાવે છે કે ભંગોરીયા એ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળીના અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાઈ છે તે જ સ્થળે હોળીના તહેવાર માટે ની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે, જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળીના તહેવાર માટેની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા ઢોલ અને કરતાલના તાલે નાચકૂદ કરીને હોળી પૂર્વેના ભંગોરીયા હાટ ની મોજ માણતા હોય છે.
ખાસ કરીને જુવાનિયા ઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતીઓ એકજ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લાં ( કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન) ,ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણો થી સજ્જ થઈને ભંગોરીયા હાટની મજા માણવા ઉમટી પડે છે.
એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇનર કે એક જ રંગ ના કપડાં પહેરવા માટેનો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટ ની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય..! ભંગોરીયા હાટ માં આદિવાસી ઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં હોય છે, અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હોય છે.
અહીંનાં આદિવાસીઓ ભંગોરીયાને ભોંગર્યા હાટ તરીકે પણ ઓળખતા હોય છે, હાટમાં હોળી ની ખરીદી ઉપરાંત મોટલા ઢોલ અને વાંહળીઓ ખડખળીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીરકાંમઠા અને ધારીયાં -પાળીયાં સાથે ગામેગામ થી ઉમટેલા લોકો આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને એકમેક બની નાચગાન કરી ખુબ આનંદ લૂટતા હોય છે.
આમ ભંગોરીયા હાટ એ પૂરા વર્ષ દરમ્યાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીંના આદિવાસી લોકો માટે હળવાશ અનુભવી આનંદ ઉત્સાહ મનાવવા માટે નુ સ્ટેજ છે.
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગુજરાત સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસી ઓ એક જ સમુદાયના આદિવાસી ઓ છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી ઓ ખાસ કરીને રાઠવા આદિવાસી ઓ તરીકેની ઓળખ ધરાવે છે, જ્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આદિવાસીઓ ખાસ કરીને ભિલાલા આદિવાસી તરીકેની ઓળખ ધરાવે છે, આમ મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદી ગામોમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાય માથી આવતા હોય જેથી તેઓની સંસ્કૃતિ પરંપરાઓ રિત-રિવાજ અને રહેણી કરણી ભાષા બોલી પણ સમાન જોવા મળે છે , છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાત સરહદી વિસ્તારોના આદિવાસીઓનો રોટી-બેટીનો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવે છે. ભંગોરીયા હાટમાં મધ્યપ્રદેશના આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે તેજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની ટુકડીઓ મધ્યપ્રદેશના ભંગોરીયા હાટમાં પણ ઉમટી પડતી હોય છે.
છોટાઉદેપુર વિસ્તાર તથા મધ્યપ્રદેશ સરહદી અલીરાજપુર વિસ્તારોમાં ૧ માર્ચ થી યોજાનાર ભંગોરીયા હાટ.
૧ માર્ચ બુધવાર – છોટાઉદેપુરના રંગપુર (સ), મધ્યપ્રદેશના ચાંદપુર, બરઝર, ખટ્ટાલી, બોરી
૨ માર્ચ ગુરુવાર – છોટાઉદેપુરના દેવહાટ, ભીખાપુરા, મધ્યપ્રદેશના ફૂનમાલ, સોંડવા, જોબટ.
૩ માર્ચ શુક્રવાર- છોટાઉદેપુરના ઝોઝ, મધ્યપ્રદેશના કઠીવાડા,વાલપુર,ઉદયગઢ.
૪ માર્ચ શનિવાર -છોટાઉદેપુરના છોટાઉદેપુર, મધ્યપ્રદેશના નાનપુર,ઉમરાલી.
૫ માર્ચ રવિવાર -છોટાઉદેપુરના પાનવડ, મધ્યપ્રદેશના છકતલા, સોરવા, આમખુટ,ઝીરણ,કનવાડા,કુલવટ.
૬ સોમવાર -છોટાઉદેપુરના કવાંટ, મધ્યપ્રદેશના અલીરાજપુર,ભાભરા,બડાગુડા.
૭ માર્ચ મંગળવાર- સાગટાળા તથા મધ્યપ્રદેશના વખતગઢ, આંબુઆ.
જે તે સ્થળે ભરાતા અઠવાડિક હાટ, હોળી અગાઉ ભંગોરીયા હાટમાં ફેરવાઈ જાય છે.
અહીં આદિવાસીઓ હાટમાં ખરીદી ઉપરાંત ખેતી કામમાં વ્યસ્તતામાં થી હળવાશ અનુભવી એક બીજાની ખબર અંતર પુછતા જોવા મળતા હોય છે અને આત્મિયતા જોવા મળતી હોય છે
છોટાઉદેપુર અને ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોનાં આદિવાસી ઓ એક જ સમુદાયના આદિવાસી ગણાય છે પરંતુ છોટાઉદેપુરમાં વસતા આદિવાસીઓ રાઠવા આદિવાસી તરીકે ઓળખાય છે જ્યારે ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોનાં આદિવાસીઓ ભીલાલા.
આમ છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ગુજરાત સરહદી મધ્યપ્રદેશ રાજ્યના સરહદી વિસ્તારોમાં હોળી અગાઉ અહીં ના આદિવાસી ઓ પોતાની અનોખી અને અતિ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા ઓ ઉજાગર કરતા હોય છે, આમ પરંપરાગત રીતે યોજાતા ભંગોરીયા હાટનુ આ વિસ્તારના આદિવાસી ઓ માં અનેરુ મહત્વ રહેલું છે.

