આહવા: ડાંગ જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતા સીઝનલ હોસ્ટેલની મુલાકાત શિક્ષણ વિભાગના તપાસ અધિકારીઓએ લીધી છે. તાજેતરમાં જિલ્લાની સીઝનલ હોસ્ટેલ બાબતે કેટલાક સમાચારો પ્રસારિત થતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ, તેમના અધિકારીઓ/ક્રમચારીઓને આ બાબતે સ્થળ મુલાકાત કરી સત્ય હકીકત ચકાસી અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.
સુબીર તાલુકાની ઇસખંડી, આહવા તાલુકાની ચીકટિયા અને ભવાનદગડ સહીતની સીઝનલ હોસ્ટેલ સંદર્ભે છાપાઓમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, અહેવાલ વિષે તપાસ અધિકારીઓ દ્વારા તપાસ કરતા ઇસખંડીની સીઝનલ હોસ્ટેલ ખાતે સાંજે ૭.૦૫ કલાકે રૂબરૂ મુલાકાત દરમિયાન ૪૦ બાળકોની મંજુરી સામે ૨૩ કન્યા અને ૨૪ કુમાર હાજર હતા. જયારે સ્ટોક રજીસ્ટર, કોઠાર પત્રકની તપાસ કરતા તે અદ્યતન જોવા મળ્યા હતા. ઉપરાંત મેનુ મુજબ બાળકોને ભોજન પણ આપવામાં આવેલ હતું.
તે જ રીતે ચીકટિયાની સીઝનલ હોસ્ટેલમાં સાંજે ૭ કલાકે રૂબરૂ મુલાકાત દરમિયાન ૩૦ બાળકોની મંજુરી સામે કુમાર ૮, કન્યા ૨૦ હાજર હતા. જેમની રૂબરૂમાં હાજરી લેવામાં આવી હતી. તેઓ દ્વારા તા.૨૧/૦૨/૨૦૨૩ સુધીનું સવાર સાંજ વાનગીનું મેનુ પત્રક દર્શાવેલ છે. આ સીઝનલ હોસ્ટેલમાં બાળકોના હાજરી પત્રકોની ખરાય તેમજ નિભાવણી કરવામાં આવેલ છે, અને જે તે દિવસે મેનુ મુજબ ભોજન પણ આપવામાં આવેલ છે.
ઉપરાંત ભવાનદગડ પ્રાથમિક શાળા ખાતે સીઝનલ હોસ્ટેલ અંગેની વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મંજુરી આપવામાં આવેલ નથી. જેની પણ ખાતરી કરવામાં આવી છે. આમ, શિક્ષણ વિભાગ દ્વારા માસ દરમિયાન જિલ્લાની તમામે તમામ ૧૧૭ સીઝનલ હોસ્ટેલોમાં તપાસ કરવામાં આવી છે. જેમાં ભૂતિયા બાળકો વિશેની તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની માહિતી મળવા પામી નથી. સાથે બાળકોના હાજરી પત્રકો પણ વ્યવસ્થિત માલુમ પડેલ છે. તેમ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓડીનેટર અને જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી, સમગ્ર શિક્ષા ડાંગ દ્વારા જણાવાયું છે. ઉલ્લેખનિય છે કે, સર્વ શિક્ષા અભિયાન દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ ચલાવવામાં આવતી આવી સીઝનલ હોસ્ટેલોમાં સ્થળાંતરીત વાલીઓના બાળકોનું નામાંકન અને સ્થાયીકરણ કરવા સાથે તેઓ શિક્ષણથી વંચિત ના રહે, તથા આવા બાળકો પોતાના ગામમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી શિક્ષણ આપવામાં આવે છે.
ડાંગ જિલ્લાની ઘણી પ્રાથમિક શાળાઓમા ચાલતી આવી સીઝનલ હોસ્ટેલોમા એસ.એમ.સી. કક્ષાએથી આવેલ દરખાસ્તના આધારે બાળકોની મંજુરી આપવામાં આવે છે. જેટલા બાળકો હાજર રહે છે, તે પ્રમાણે જ એસ.એમ.સી. દ્વારા બાળકોની હાજરીને ધ્યાને લઇ નિયમ અનુસાર ખર્ચ કરવામાં આવતો હોય છે. તેમ પણ વધુમાં જણાવાયું છે.

