વલસાડ: વલસાડ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા અને તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભુખ હડતાળ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા કે સરઘસ/રેલી કાઢવા ઉપર મનાઈ ફરમાવવાનું જરૂરી જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭(૩) અન્વયે જાહેરનામુ બહાર પાડ્યું છે.
જે મુજબ તા. ૭ માર્ચ ૨૦૨૩ના કલાક ૨૪.૦૦ સુધીની મુદત માટે અનધિકૃત / ગેરકાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિએ/ વ્યકિતઓને એકી સાથે જિલ્લા સેવા સદન વલસાડ તથા જિલ્લાના વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકા સેવા સદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓની બહાર કે જિલ્લા / તાલુકા સેવા સદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ૪ થી વધુ માણસો ભેગા થવા કે કોઈ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, પ્રતિક દેખાવો, ભુખ હડતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા તેમજ સરઘસ/રેલી કાઢવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામુ ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિઓને, લગ્નના વરઘોડા તથા સ્મશાનયાત્રાને, જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી/ સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્સા તરીકેની પરવાનગીને અને સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ની કલમ – ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. જે બાબતે ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર દરજ્જાથી ઉતરતા ન હોય તેવા અધિકારીને ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

