વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની માસિક કામગીરી અર્થે સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ મળી હતી. જેમાં આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ગ્રામ પંચાયત દીઠ ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો તા. ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ પહેલા પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે પ્રયત્નો હાથ ધરવા કલેકટરશ્રીએ ભાર મુક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા)ના વલસાડ જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.એન. પટેલે તાલુકા મુજબ ગ્રામ પંચાયત દીઠ થયેલી તાલીમ અંગેનો અહેવાલ રજૂ કરતા જણાવ્યું કે, ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતો મુજબ જિલ્લામાં ૨૮૮૦૦ ખેડૂતોને પ્રાકૃતિક તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. જેમાંથી ૨૭૪૦૦ ખેડૂતોને તાલીમ અપાઈ ચૂકી છે. લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ જિલ્લાનું એક પણ ગામ એવુ બાકી નહી રહેશે કે જે ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે જાણતા ન હોય તે માટે તાલીમ કાર્યક્રમો અવિરતપણે ચાલુ રહેશે. ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે જિલ્લામાં ૨૮૮૦૦ ખેડૂતોનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જેની સામે ૧૫૪૭૯ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. જે ખેડૂતોના સારા પ્રતિભાવો પણ મળી રહ્યા છે. જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે કલેકટરશ્રીએ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક કરી ખેડૂતો અને આંગણવાડીની બહેનોને સરળતાથી જીવામૃત અને ઘનજીવામૃત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્યું કે, ખેતરમાં ૧૦ ગુંઠાનું પેકેજ બનાવી ખેડૂતોને તાલીમ અને બિયારણ આપી પ્રાકૃતિક ખેતી તરફ વાળીશું. આ સિવાય આંગણવાડીની ૧૮૦૦ બેહનોને કિચન ગાર્ડન માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. વલસાડ જિલ્લાના નાયબ બાગાયત નિયામક એન.એન.પટેલે જણાવ્યું કે, બાગાયત ખાતા દ્વારા ટ્રાયબલ સબપ્લાન હેઠળ અનુસૂચિત જનજાતિ (એસટી)ના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ૮૦૦૦ જેટલી કીટ આપવામાં આવશે. જેમાં બિયારણ, નીમ ઓઈલ અને ખાતર પણ હશે. આ સાથે એસટી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર ડી.એન.પટેલે પ્રાકૃતિક ખેતીની પેદાશો લોકો સુધી પહોંચે તે માટે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ સાથે મળી સ્ટોલ બનાવી વેચાણનું આયોજન કરાયું હોવાાની માહિતી આપી હતી. વધુમાં વલસાડ શહેરમાં તિથલ રોડ પર જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ના બંગલાની સામે જિલ્લા પંચાયતની જગ્યામાં પણ તા. ૨૫-૨૬ માર્ચ બે દિવસ પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટે સ્ટોલ લગાવાશે. ત્યારબાદ દર સપ્તાહમાં શનિ-રવિએ સ્ટોલ લગાવાશે એવી માહિતી આપી હતી. જિલ્લા કલેકટરશ્રીએ આ જગ્યા પર ચોમાસામાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશો વેચી શકે તે માટે રૂ. ૧૫ લાખના ખર્ચે પાકો શેડ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાાની અને વિવિધ ખાતાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩ની ઉજવણી અંતર્ગત રાગી અને નાગલી સહિતના જાડા ધાન્ય પાકનું પણ વેચાણ થાય તે માટે સૂચન કર્યું હતું. જે અંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર પટેલે જણાવ્યું કે, તા.૧૧ થી ૧૫ માર્ચ ૨૦૨૩ સુધી સુરતમાં મિલેટ્સ વર્ષ અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ૭ સ્ટોલ લગાવવામાં આવનાર છે. જેમાં નાગલી, વરાઈ, ખરસાણી, ડાંગરની દેશી જાત, જુવાર, તુવેર, ચોળી અને વાલ સહિતની ખેત પેદાશો વેચાણમાં મુકાશે જેના થકી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંબંધ પ્રસ્થાપિત થશે. જિલ્લા કલેક્ટરશ્રીએ જો કોઈ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા માંગતો હોય અને તેની પાસે ગાય ન હોય તો પશુપાલન વિભાગ દ્વારા તે ખેડૂતને જિલ્લાના પાંજરાપોળ કે ગૌશાળામાંથી દેશી ગાય મળી રહે તે મુજબ આયોજન કરવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર એ.કે.કલસરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીન ઈન્ચાર્જ નિયામક અંકિત ગોહિલ, નાયબ પશુપાલન અધિકારી હિતેશ પટેલ, વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની, મદદનીશ બાગાયત નિયામક એ.એમ.વોરા, મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ) પ્રતિકસિંહ પટેલ, પરિયાના કૃષિ પ્રાયોગિક કેન્દ્રના એચઓડી ડો. ડી.કે.શર્મા, પ્રાકૃતિક કૃષિના જિલ્લા અને તાલુકા કક્ષાના કન્વીનરો અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

