વલસાડ: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતોની આવક વધે, જમીન બગડતી અટકે તથા માનવીનું સ્વાસ્થ્ય અને પર્યાવરણ ને નુકશાન ન થાય તેવા ઉમદા હેતુથી વલસાડ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા પ્રયાસો વહીવટીતંત્ર દ્વારા થઇ રહ્યા છે. જે અંતર્ગત ગત તા.૧૬-૦૨-૨૦૨૩ ના રોજ વલસાડ તાલુકાના વલંડી ગામમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ હતી.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે આ તાલીમમાં ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી વલંડી ગામની ૪૫ જેટલી બહેનોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી અને જીવામૃત કઈ રીતે બનાવવું તે જાતે શીખ્યા હતા. તાલીમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીના પાંચ આયામનો ઉપયોગ કરવો જરૂરી છે. જેમાં (૧) જીવામૃત (૨) બીજામૃત (3) આચ્છાદન (૪) વાફ્સા (૫) આંતરપાકનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ધીરેનભાઈ પટેલે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી સંસાધનનો ભરપુર ઉપયોગ, બજાર બહારથી ખરીદી કર્યા વિના પોતાના ખેતર અથવા ગામમાંથી લાવી વસ્તુનો ઉપયોગ કરવો. પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ લેવાની સાધન સામગ્રી જીવ, જમીન,પાણી અને પર્યાવરણને નુકશાન કરતા ન હોવા જોઈએ.

જિલ્લા સંયોજક અને કોચવાડા ગામના રહીશ નિકુંજભાઈ એચ. ઠાકોરે એમના જાત અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું અને વલંડી ગામ પ્રાકૃતિક ખેતી કરતુ આદર્શ ગામ બનશે અને આજુબાજુના ગામો પણ પ્રેરણા જરૂરથી લેશે એવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગામના સરપંચ કુસુમબેન, કમળાબેન, ખેડૂત મિત્ર રતિલાલભાઈ, વિજયભાઈ, મધુબેન, વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવક જતીનભાઈ, મહેશ્વરીબેન, ભાવિકાબેન, કાલિન્દીબેન અને શીતલબેન હાજર રહ્યા હતા.