મહુવા: સ્વાતંત્ર્ય સંગ્રામમાં માત્ર 20-22 વર્ષની વયે ઝંપલાવનાર અને જીવનપર્યંત ગાંધી વિચારને અનુસરનારા ગૌરવવંતા સ્વાંતંત્ર્ય સેનાની એટલે મહુવા તાલુકાના વહેવલ ગામના મણીબેન બાપુભાઈ ધોડીઆએ 101 વર્ષોની જૈફ વયે આ ફાની દુનિયાથી વિદાય લીધી.

ઉલ્લેખનીય છે કે 22-02-1922 રોજ જન્મેલા મણીબેન બાપુભાઈ ધોડીઆ હાલે મહુવા તાલુકા ખાતે એકમાત્ર હયાત સ્વાતંત્ર્ય સેનાની હતા. એમના પતિ બાપુભાઈ કેશવભાઈ ધોડીઆ સાથે મળી સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે સક્રિય ભૂમિકા ભજવતાં અનેકવિધ આંદોલનોમાં ભાગ લીધો હતો. અંગ્રેજો સામે આંદોલન કરતાં એમણે જેલવાસ ભોગવ્યો હતો. વહેવલ ગામને કેન્દ્ર સ્થાને રાખી મહુવા પંથકમાં એમણે ખાદી અને ગ્રામોદ્યોગની વિશિષ્ટ પ્રવૃત્તિઓ પણ કરી હતી. 100 વર્ષની ઉંમરે પણ સરળ જીવન, સાત્વિક આહાર, ખાદીના વસ્ત્રોમાં સજ્જ એવા ગાંધી વિચારધારા પર જ જીવન જીવતા મણીબેન ધોડીઆ યુવાવસ્થા જેવો જ તરવરાટ આજે પણ ધરાવતા હતા.

મણીબેનનું સાદગીભર્યું જીવન, સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે આપેલ ભોગ દ્વારા આજની યુવા પેઢી એ ઘણું શીખવા જેવું છે. આજે આદિવાસી સમુદાયના સ્વાતંત્ર્ય સેનાની મણીબેન ધોડીઆનું અવસાન થતાં મહુવા તાલુકામાં શોકની લાગણી પ્રસરી છે.