નાગપુરમાં મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટીના પહેલા દીક્ષાંત સમારંભને સંબોધતા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે બંધારણ સ્વ-શાસન, ગરિમા અને સ્વતંત્રતાની એક ઉલ્લેખનીય ઘરેલુ પ્રોડક્ટ છે. બંધારણની વ્યાખ્યા ઘણા લોકો પ્રશંસાત્મક શબ્દોમાં કરે છે, જ્યારે કેટલાક અન્ય તેની સફળતા વિશે નિંદા કરે છે.

ચીફ જસ્ટીસે કહ્યું હતું કે ભારતના સંસ્થાનવાદી આકાઓએ આપણને આ બંધારણ નથી આપ્યું. બલકે દેશની સ્થિતિ સમજનારા લોકોએ તેનું નિર્માણ કર્યુ હતું. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે બંધારણે જોરદાર પ્રગતિ કરી છે પરંતુ હજુ પણ ઘણું કામ પૂર્ણ કરવાની જરૂર છે અને ભૂતકાળમાં પ્રવર્તમાન પ્રગાઢ અસમાનતા આજે પણ જળવાયેલી છે જેને આપણે દૂર કરવી પડશે.

તેમણે કહ્યું હતું કે જો કાયદાના યુવાન વિદ્યાર્થીઓ અને સ્નાતકોને બંધારણી મૂલ્યો દ્વારા નિર્દેશિત કરવામાં આવે તો તેઓ નિષ્ફળ નહીં જાય. CJIએ કહ્યું હતું કે એક સરકારી દસ્તાવેજના રૂપમાં બંધારણની ક્ષમતા વાસ્તવમાં સૂચનાત્મક છે.

બંધારણની પ્રસ્તાવનાનો ઉલ્લેખ કરતા મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો એક નાનો હિસ્સો જરૂર છે પરંતુ તે એક વનજદાર હિસ્સો છે. જેમાં કહેવાયું છે કે આપણે ભારતના લોકો પોતાને આ બંધારણ આપીએ છીએ. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે ભારતના લોકોની પ્રજાની સ્થિતિથી નાગરિકોની સ્થિતિમાં પરિવર્તનને ચિન્હિત કરે છે. સંસ્થાનવાદી આકાઓએ આપણને બંધારણ નથી આપ્યું. આપણું બંધારણ એક દસ્તાવેજ છે જે સ્વ-શાસન, ગરિમા અને સ્વતંત્રતાની ઘરેલુ પ્રોડક્ટ છે.