સુરત: આજથી બે દિવસ એટલે કે તા.૮,૯ ફેબ્રુઆરીએ સુરત શહેરના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠા અવરોધાશે. આ વિસ્તારોમાં બે દિવસ પાણી નહીં મળે. તેથી સુરત મનપા દ્વારા પાણીનો સંગ્રહ કરી કરકસરયુક્ત રીતે પાણીનો વપરાશ કરવાની અપીલ શહેરીજનોને કરવામાં આવી છે.
Decision Newsને મળતી માહિતી મુજબ સુરતના અમુક વિસ્તારોમાં બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ પાણી નહિ મળે. તે માટે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં પાણીની લાઇનની કામગીરી બે દિવસ ચાલવાની હોવાથી કોસાડના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોટકાશે. જે વિસ્તારમાં પાણી પુરવઠાનો વિક્ષેપ પડશે તે વિસ્તારના લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત પૂરતા પાણીનો સંગ્રહ કરવા માટે મહાનગરપાલિકા તંત્રએ અપીલ કરી છે.
સુરતના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધા માટે હાઇડ્રોલિક વિભાગ કામગીરી કરી રહ્યો છે. કતારગામ ઝોન ના નવા વિસ્તારોમાં પાણી આપવા માટેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના પગલે ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ કોસાડ વિસ્તારમાં કોસાડ જળ વિતરણ મથકથી ભરવા માટેની ૬૦૦ મી.મી. વ્યાસની રાઇઝીંગ લાઇન પર વાલ્વ મુકવાની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત કોસાડ જળ વિતરણ મથક ખાતેની ૫૦૦ મી.મી. વ્યાસની બાયપાસ લાઇન પર લીકેજ રીપેરીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

