નર્મદા: ગતરોજ ‘નર્મદા નદીના પટમાં બેફામ રીતે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે અને આ રેતી ખનનમાં મોટા રાજકીય માથાઓની પણ સંડોવણી છે‘ આ વાક્ય છે જે નર્મદાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીત ફરિયાદ પત્ર લખ્યો છે એમાં.

ફરિયાદ પત્ર અનુસાર મુખ્યમંત્રીને ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લખ્યું છે કે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નર્મદા નદીના પટમાંથી મોટાપાયે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી છે. નારેશ્વરની નજીક લિલોડ ગામ થતાં ઓઝ ગામના સામેના કાંઠા સુધી મોટા રેતીના પાળા બનાવેલા છે. આ પાળાને લીધે નદીનો પ્રવાહ રોકાઈ જતાં લોકો માટે મુશ્કેલીઓ ઉભી થઇ છે. સરકારી નિયમ મુજબ નદીમાંથી 5 મીટર ઊંડાઈએથી રેતી કાઢવાની મંજુરી છે. છતાં રેતી માફીયાઓ 25 થી 30 મીટર સુધી ખોદી રેતી વેચતા હોય છે.

રાત્રીના સમયે રોયલ્ટી ભર્યા વિના બેફામ રેતી ભરેલી ટ્રકોની અવરજવર થતી હોય છે. રેતી માફીયાઓ રોયલ્ટીની ચોરીઓ કરતા હોવાનું સામે આવ્યું છે. આ ગેરકાયદેસર રેતી ખનનમાં મોટા રાજકીય માથાઓ પણ સંડોવાયેલા છે. આ બાબતમાં સરકાર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસરનું રેતી ખનન બંધ થાય એવી માંગ છે.