ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના કલીયારી ગામે ગુરુવારે એક યુવકનો લગ્ન પ્રસંગ હતો. જેમાં વરરાજાએ ડીજે મ્યુઝિકના તાલે જેસીબીમાં વરઘોડો કાઢતા જાનૈયાઓમાં કુતુહલ સાથે હર્ષ છલકાયો હતો. લગ્ન એક એવો પ્રસંગ છે જે ને લોકો યાદગાર બનાવતા હોય છે, જેથી લગ્નપ્રસંગમાં લોકો કંઈક નવું કરવા ઈચ્છતા હોય છે. જેનાથી લગ્નને યાદગાર બનાવી શકાય, ચીખલી તાલુકાના કલીયારી ગામે રહેતા પરીવારે ગુરુવારે આવું જ કંઈક કર્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના કલીયારી ગામના ઢોડીયાવાડ ફળીયામાં રહેતા ગુલાબભાઈ ઘુરીયાભાઈ પટેલના બે સુપુત્રો કેયુર પટેલ અને મયુર પટેલના લગ્ન યોજવાના હોય જેમાં કેયુર પટેલના લગ્ન ગુરુવારે તેમના જ કલીયારી ગામે ઢોડિયાવાડ ફળિયામાં રહેતી ભૂમિકા પ્રવીણભાઈ પટેલ સાથે યોજાયા હતા. આ લગ્નમાં ગામના લોકો તેમજ સગા સંબંધીઓ પધાર્યા હતા અને ગામમાં જાન વરઘોડો ડીજે મ્યુઝિકના તાલે કાઢવામાં આવ્યો હતો. જેમાં સૌ ઝૂમી રહ્યા હતા અને એકાએક શેરવાનીમાં સજ્જ વરરાજા શરગણેલા જેસીબી મશીનમાં સવાર થયાં તે જોઈ લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. સમગ્ર ગામ અને પંથકમાં ધૂમ મચી હતી. જોકે, લગ્ન તો આદિવાસી પરંપરા મુજબ જ લેવાયાં હતા. ત્યારે વરરાજા અને દુલ્હન બન્ને એકસાથે જેસીબીમાં બેસી નાચતા હોય એવા વીડિયો જાનૈયાઓએ બનાવી વાયરલ કરતા હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આદિવાસી સમાજમાં પ્રથમવાર જેસીબીમાં જાન નીકળી
આદિવાસી સમાજ અને ગ્રામ્ય વિસ્તારમાં આજસુધી બળદ ગાડા કે કારમાં જાન અનેક નીકળી હતી પરંતુ જેસીબીમાં પ્રથમવાર જાન નીકળી હોય ત્યારે લોકોમા કુતૂહલ જોવા મળ્યું હતું અને લોકો મોટી સંખ્યામાં આ જાનને માણવા માટે ઉમટી પડયા હતા.

મિત્રોની ઈચ્છા લગ્નને યાદગાર બનાવવાની
લગ્નમાં કંઈક અલગ કરીને યાદગાર બનાવવાની ઈચ્છા સગાસબંધી તેમજ મિત્રોને હોય છે. ત્યારે ચીખલીના કલીયારી ગામે રહેતા કેયુર પટેલના મિત્રોની ઈચ્છા પણ લગ્નને યાદગાર બનાવવાની હતી. જેથી મિત્રોએ જેસીબીમાં જાન કાઢવાનું નક્કી કર્યું અને અંતે જેસીબીને શણગારીને જાન જેસીબીમાં કાઢવામાં આવી હતી.

આવતીકાલે પણ કલીયારીથી રાનવેરીખુર્દ સુધી જેસીબીમાં જાન નીકળશે
વરરાજા કેયુર પટેલના ભાઈ મયુર પટેલના આવતીકાલે લગ્ન હોય જેની જાન ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામના નવાનગર ખાતે જવાની હોય જે પણ જેસીબીમાં કાઢવાનું મિત્રોએ નક્કી કર્યું છે. ત્યારે આવતીકાલે ફરી એકવાર જેસીબીમાં જાન નીકળવાની છે.