ઈતિહાસ: સાયમન કમિશન અથવા સાયમન આયોગ એ ૭ બ્રિટિશ સાંસદો વડે બનાવવામાં આવેલું એક જુથ હતું. આ આયોગની રચના ૧૯૨૭ ના વર્ષમાં અંગ્રેજી શાસન ધરાવતા ભારત દેશમાં બંધારણીય સુધારાઓનું અધ્યયન કરવાના હેતુથી કરવામાં આવી હતી.

હિંદિઓનું દુ:ખ દર્દ હિંદિઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિંદિ સભ્યો સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી. પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. ૩ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઉતર્યુ ત્યારે સાયમન ગો બૈક (સાયમન પાછો જા) ના નારા લગાવ્યા હતા. સાયમન કમિશન કોલકાતા, લાહોર, લખનૌ, વિજયવાડા અને પુના સહિત જ્યાં જ્યાં પણ પહોંચ્યું ત્યાં તેણે જબરજસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો અને લોકોએ તેને કાળા વાવટા દેખાડી વિરોધ કર્યો. આખા દેશમાં સાયમન ગો બૈક (સાયમન પાછા જાઓ)ના નારા ગૂંજવા લાગ્યા હતા.

સાયમન કમિશનનો વિરોધ કરી રહેલા યુવાઓ પર બેરહમીથી લાઠીઓ ચલાવી મારવામાં આવ્યા. પોલિસ દ્વારા લાલા લાજપત રાયની છાતી પર નિર્મમતાપૃર્વક લાઠીઓ વરસાવવામાં આવી. તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. ૧૭ મી નવેમ્બર, ૧૯૨૮ના રોજ એમનું અવસાન થયું હતું.