વલસાડ: ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઈઆરટી) ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો આઠમો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ વલસાડના પારનેરા પારડીમાં ડાયટ ખાતે શરૂ થયો હતો. આ ઈનોવેશન ફેસ્ટિવલનું તા. 17મી જાન્યુઆરીના રોજ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ શિક્ષકોને પ્રેરક માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સાથે જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, આઈએએસ અધિકારી નિશા ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ડાયટની બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાચાર્ય ડો.વર્ષાબેન કાપડીયા દ્વારા મહેમાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીઆઈસી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈનોવેશન ફેસ્ટિવલની રૂપરેખા આપવામાં આવી હતી. કલેકટર ક્ષિપ્રા આગ્રેએ ઈનોવેશનના પ્રાથમિક વિભાગને રીબીન કાપી ખુલ્લો મુક્યો હતો જ્યારે આઈએએસ અધિકારી નિશા ચૌધરીએ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનું ઉદઘાટન કરી ઈનોવેશન ફેસ્ટિવલ જિલ્લાના શિક્ષકો માટે ખુલ્લો મુકયો હતો. આ ફેસ્ટિવલમાં 42 પ્રાથમિક શિક્ષકો અને 5 માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોએ પોતાનું ઈનોવેશન રજૂ કર્યું હતું. જેની જિલ્લાની વિવિધ શાળાના શિક્ષકોએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી. આ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ નીવડેલા પ્રાથમિક કક્ષાના 3 ઈનોવેશન તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાના 2 ઈનોવેશન રાજ્ય કક્ષાના એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લઈ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ કાર્યક્રમમાં પારનેરા પારડીના સરપંચ સુરેખાબેન મેનન, ડાયટ પ્રાચાર્ય ડો. વર્ષાબેન કાપડીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગોકુળભાઈ, શૈક્ષિક સંઘના અધ્યક્ષ રામુભાઈ તથા જિલ્લાના તમામ તાલુકાના બીઆરસી કો ઓર્ડિનેટરો ઉપસ્થિત રહ્યા હતા.

