મહીસાગર: દરરોજ ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તેમાં આજે ફરી એક કિસ્સો ઉમેરાયો છે. મહીસાગર જિલ્લામાં નિમણૂંક થયેલી શિક્ષિકાને એમ્પ્લોયી નંબર આપવા માટે મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી ૨૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો છે.

મીડિયા રીપોર્ટ અનુસાર લુણાવાડા તાલુકાના નાનીસરસણ ગામે આવેલી શ્રી ભોમાનંદ વિદ્યાલયમાં નવી નિમણૂક પામેલી શિક્ષિકા હાજર થઇ હતી જેથી શાળાના આચાર્ય દ્વારા શિક્ષિકાનો એમ્પ્લોયી નંબર મેળવવા માટે કાર્યવાહી કરી જિલ્લા શિક્ષણાધિકારી મહીસાગરની કચેરીએ દસ્તાવેજો મોકલી આપ્યા હતાં.પણ શિક્ષિકાનો એમ્પ્લોયી નંબર લાંબા સમય સુધી નહીં મળતા આચાર્ય તા.૫ જાન્યુઆરીના રોજ શિક્ષણાધિકારીની કચેરીએ શિક્ષિકાનો એમ્પ્લોયી નંબર બાબતે ખાતરી કરવા ગયા હતાં. ત્યારે શાળાના આચાર્ય જિલ્લા શિક્ષણાધિકારીને મળતા તેમણે શિક્ષિકાના એમ્પ્લોયી નંબરની પ્રોસેસ કરવા ૨૦,૦૦૦ની માંગણી કરી હતી.

આચાર્યએ શિક્ષિકાને વાત કરતા શિક્ષિકા લાંચની રકમ ન આપી ACBમાં ફરિયાદ કરી મહીસાગર ACBના પીઆઇ એમ.એમ. તેજોત અને સ્ટાફ દ્વારા લાંચના છટકાનું આયોજન કરાયું હતું. એમાં અમદાવાદમાં રહેતા જિલ્લા શિક્ષણાધિકારી પ્રકાશ નટવરલાલ મોદી લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા.