ચીખલી: નવસારી જિલ્લાની ચીખલી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય રોબિન્સ પટેલ સામે વિધવા મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી રોબિન્સે લગ્નની લાલચ આપી ચાર વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાનો વિધવા મહિલાએ આરોપ લગાવ્યો છે.

Decision Newsને મળેલી વિગતો અનુસાર વિધવા મહિલાએ જેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તે રોબિન્સ પટેલ નવસારી જિલ્લાની ચીખલી તાલુકા પંચાયતમાં ભાજપની ટિકિટ પર બામણવેલ બેઠક પર ચૂંટાયેલો સભ્ય છે. અને ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના પતિનું બિમારી કારણે 2017માં અવસાન થયું હતું. ત્યારબાદ મહિલા 2019માં પોતાના જ ગામમાં રહેતા અને ચીખલી તાલુકા પંચાયતના સભ્ય રોબિન્સ પટેલના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. રોબિન્સ પટેલે મહિલા સાથે લગ્ન કરવાની વાત કરી અવારનવાર શરીરસંબંધ બાંધ્યા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મહિલાને ચાર વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ રોબિન્સે લગ્નની ના પાડી દીધી ત્યારબાદ પીડિતાએ સમાજના લોકોને સમગ્ર મામલે વાત કરી હતી. તો રોબિન્સ પટેલે સમાજના લોકોની સમક્ષ પણ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અંતે પીડિતાએ રોબિન્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી રોબિન્સ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.