પ્રતિકાત્મક ફોટોગ્રાફ

ચીખલી: 9 ડિસેમ્બર-22ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ ચીખલીના સારવણી ગામમાં સાસુ દ્વારા પૂર્વ જમાઈને કોઈ જૂની વેરઝેરમાં સળગતા લાકડાથી દઝાડી દેતા પૂર્વ જમાઈનું મોત થયું હતું. જેને લઈને પોલીસ ગુનો નોંધવામાં ગોળગોળ વાતો કરી રહી હતી ત્યારે સારવણીના ગ્રામજનો પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ જતા આખરે પોલીસે સાસુ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

ચીખલીના સારવણીમાં વિઠ્ઠલવાડી મોરા ડુંગરીના નિલેશ અમ્રતભાઈ પટેલના મોટાભાઈ મહેશભાઈના લગ્ન સારવણી વિઠ્ઠલવાડી મોરા ડુંગરી ફળિયામાં ઇન્દુબેન સાથે થયા હતા. તેમના લગ્ન જીવનમાં ત્રણ દીકરી છે. મહેશભાઈના ઇન્દુબેન સાથે 15 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. બાદમાં ઇન્દુબેન સાથે ત્રણે દીકરી સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. પરંતુ મહેશભાઈના છૂટાછેડા પછી પણ દીકરીઓ સાથે સંબંધ ચાલુ હતો. દીકરી સેજલબેનની ડિલિવરી ટાણે પિયરમાં હતી તેથી મહેશભાઈ દીકરીને મળવા આવ્યા હતા. તે સમયે સાસુ નીરૂબેન સાથે બોલાચાલી થઇ અને નીરૂબેન રસોડાના ચૂલામાંથી સળગતું લાકડું મહેશભાઈના પેન્ટના નીચેના ભાગે લગાવી દીધું જેનાથી બંને પગે દાઝી જતા 108 મારફતે લીમઝર CHC માં દાખલ કરાયા હતા. ત્યાર બાદ ઘરે જ પરત આવી આર્યુવેદિક ઉપચાર શરૂ કર્યો હતો.

પરંતુ 27 ડિસેમ્બરના રોજ મહેશભાઈનું મૃત્યુ થતાં રેફરલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સારવણીના લોકોએ સાસુ વિરુદ્ધ ગુનો નોંધવાની માંગણી કરી પણ પોલીસે ગુનો નહિ નોંધાતા ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી લાશ લઈ જવાનો ઇન્કાર કરી પોલીસે આખરે નીરૂબેન મંગુભાઈ પટેલ વિરુદ્ધ IPC 304 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. હાલમાં પોલીસની ગુનો ન નોંધવાની બેજવાબદાર કામગીરી સામે ગામના લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.