ગુજરાત: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અમલી બનાવી છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિની અમલવારી કરવાનું સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું છે.

મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ-વોકેસનલ વિદ્યાર્થીઓ કે જેઓ 6થી 8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે 10 બેગ લેસ ડેની જોગવાઈ કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ શિક્ષણનીતિથી વિદ્યાર્થીઓના જ્ઞાન, સમજણને કૌશલ્ય સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત સ્થાનિક ઔધોગિક સંસ્થાઓના અનુભવો દ્વારા કૌશલ્યવર્ધન અને ભાવી કારકિર્દી વધુ ઉજ્જવળ બનશે. અને વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે. જોકે, વિદ્યાર્થીને કોઈ ગ્રેડ કે ગુણ આપવામાં આવશે નહીં. શિક્ષક આનો આંતરિક અથવા ગોપનીય મૂલ્યાંકન કરી શકે અને તેનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે.

પ્રારંભિક તબક્કે જાન્યુઆરી– 2023ના પ્રથમ સપ્તાહમાં અજમાયશી ધોરણે રાજ્યની 491 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10 બેંગલેસ ડેનો અમલીકરણ થશે. અને બીજા તબક્કામાં જાન્યુઆરી, 2023 અંત સુધીમાં 1009 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10 બેગ લેસનું અમલીકરણ કરાશે. જેના માટે આર્થિક ભંડોળ રૂપે શાળા દીઠ રૂ. 15000 એમ કુલ રૂ. બે કરોડની નાણાકીય જોગવાઇ કરાઈ છે. એવું મંત્રીએ જણાવ્યું હતું.