ડેડિયાપાડા: થોડા દિવસ પહેલા ડેડિયાપાડા તાલુકામાં અલગ અલગ રૂટોની બસો અનિયમીત ચાલતી હોવાને કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને જિલ્લા અને તાલુકા મથકે કામ અર્થે આવતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને બસમાં બેસવા માટે સીટ ન મળતા ઉભા રહીને મુસાફરી કરવા મજબૂર બને છે. આ સમસ્યાની જાણ AAP ધારાસભ્ય ચૈતર વસાવા થઈ અને તેઓ ડેડીયાપાડા બસ ડેપોમાં જઇ તપાસ કરતાં વિવિધ 30 રૂટની બસો બંધ હોવાની વિગતો બહાર આવતાં તેમણે ડેપોને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી. ધારાસભ્યની ચીમકી બાદ એસટી નિગમ દોડતું થયું હતું અને 5 રૂટ પર બસો ચાલુ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દેડિયાપાડા ડેપોમાં આવતી ગુજરાત તથા મહારાષ્ટ્રની બસો રોકવાની જાહેરાત કરી હતી અને ટૂંક સમયમાં ઉપલબ્ધ નહિ થાય તો અંકલેશ્વર અને સહિત ડેપો પર આંદોલન કરવાની ચીમકી આપતા એસટી નિગમના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને દોડધામ મચી ગઇ હતી. દેડિયાપાડા ડેપો ભરૂચ ડિવિઝનમાં આવતું હોવાથી ભરૂચના વિભાગીય નિયામકે બંધ થયેલાં રૂટોની તપાસ કરાવી હતી. દેડિયાપાડા ડેપોમાંથી સંચાલિત થતી સરીબાર નાઈટ,કુકરમુંડા,અંકલેશ્વર મેટ્રો લિંક,ઝઘડિયા બેડવાણ અને સેલંબાની ટીમ શરૂ કરાવી દીધી છે. બાકીના રૂટો પણ ઝડપથી શરૂ થઇ જાય તેવા પ્રયાસો ચાલી રહયાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનામાં ઓછી આવકને લઈ બંધ થયેલી 5 બસો 30 ડિસેમ્બર સુધીમાં એસટી વિભાગ શરૂ કરી દેશે. જેની એક મહિનો સુધી આવક અને મુસાફરોના પ્રવાહને જોઈ ટ્રીપોમાં વધારો કરવાનો નિર્ણય લેવાશે. જ્યારે અન્ય ત્રણ બસો રસ્તા ખરાબ હોય રસ્તો બનાવવા સરપંચોને જાણ કરી શરૂ કરવા એસટી વિભાગે તજવીજ હાથ ધરી છે. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં દેડિયાપાડાના 305 જેટલા ગામો માટે એસટીના માત્ર 24 ટ્રીપો કાર્યરત છે.