વાંસદા-ધરમપુર: શિયાળાની શરૂઆત થતાની સાથે જ વાંસદા-ધરમપુર લોકોમાં કુદરતી પીણું એટલે કે ‘તાડી’ પીવાની મજા માણવા લાગ્યા છે. એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે ઘરે તાડી વેચાઈ છે ત્યાં લોકો તાડી પીવા માટે વહેલી સવારથી જ લાઇન લગાવતા હોય છે.
ગુજરાતના ઉમરગામથી લઇને અંબાજી સુધીના આદિવાસી મોટાભાગના જંગલ વિસ્તારોમાં તાડી મળે છે. ધરતીનું અમૃત, દોષ રહીત પીણું, કુદરતી પોષ્ટિકપીણું. જેવા નામો થી તાડી પીનારા ‘તાડી’ ને ઓળખાવે છે. તાડી પ્રમાણમાં પીવામાં આવે તો પાચનતંત્ર સુધારવાનો ગુણધર્મ છે એમ એમનું કહેવું છે. તાડી મુખ્યત્વે ખજૂરી અને તાડના ઝાડમાંથી કાઢવામાં આવે છે.
ધરમપુરના હનમતમાળ ગામના સુનીલ માહલા જણાવે છે કે ખજૂરી કે તાડના ઝાડમાં આગલા દિવસે સાંજે 4 કે 5 વાગ્યે માટલી મુકી છેદન કરે છે. બીજે દિવસે વહેલી સવારે 5-6 વાગ્યે ઝાડ પર ચઢીને તાડી કાઢવામાં આવે છે. તાડી કાઢનારા આખો દિવસમાં બે વાર ઝાડ પર ચઢતા હોય છે. 50 થી 60 ફૂટ ઉંચા તાડના ઝાડ પરથી તાડી ઉતારાય છે. ત્યાર બાદ તાડી ભરાયેલી માટલીને મોટા વાસણમાં ગાળીને ભરવામાં આવે છે અને તેમાંથી પીનારા તેમાંથી તાડી પીવે છે.