ફોટોગ્રાફ્સ દિવ્યભાસ્કર

દાહોદ જીલ્લાના રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશદ્વારનો લોખંડનો તોતિંગ દરવાજો તૂટીને એક વિદ્યાર્થીની ઉપર પડ્યો હતો. ગંભીર રૂપે ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, વિદ્યાર્થીનીનું અંતે સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મૃત્યુ થયુ હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દાહોદ તાલુકાના રામપુરા ગામના ડોબણ ફળીયામાં રહેતા નરેશભાઇ લલ્લુભાઇ મોહનીયાની 8 વર્ષિય પુત્રી અસ્મિતા તા.20મીના રોજ રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાએ ભણવા ગઇ હતી. ત્યારે સાંજના 4.30 વાગ્યાના અરસામાં શાળાએથી ઘરે જતા સમયે સ્કૂલનો મેઇન ગેટ પાસે ઉભી હતી. તે દરમિયાન મેઇન દરવાજો અચાનક અસ્મિતા ઉપર પડતાં તેને માથામાં ભાગે ઇજા થઇ હતી. ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના પગલે શિક્ષણ વિભાગના અગ્રણીઓ પણ દવાખાને દોડી ગયા હતાં.

આ ઘટના કઈ રીતે બની દરવાજો કઇ રીતે તૂટયો તેની તપાસ પણ શરૂ કરી હતી. જોકે, બાળકીના માથામાં ગંભીર પ્રકારની ઇજા થઇ હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.