ખેરગામ : ખેરગામનું નામ હાલમાં જ જનતા હાઈસ્કૂલના શિક્ષિકા ડો.ઉર્વશીબેન દવે દ્વારા શાળાના ઇતિહાસમાં સૌપ્રથમવાર Ph.D. પૂર્ણ કરી તેમજ પ્રિયંકાબેન થોરાત અને નિરાલી ભાવસાર દ્વારા GPSC પાસ કરી અધ્યાપક તરીકે પસંદગી પામી 3 મહિલાઓ દ્વારા રોશન કરવામાં આવ્યું છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ સમાજસેવામાં અવિરત સંકળાયેલી સમસ્ત આદિવાસી સમાજની નવસારી જિલ્લાની ટીમ દ્વારા ડો.ઉર્વશીબેન દવેનું થોડા દિવસ પહેલા જ શાળામાં જઈ સન્માન કરવામાં આવેલ અને આજે પ્રિયંકાબેન થોરાતનું વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડો.સંજયભાઈ પટેલની હાજરીમાં શાલ ઓઢાડી, સન્માનપત્ર અને સ્ટ્રોબેરીનો છોડ આપી સન્માન કરવામાં આવેલ.આ પ્રસંગે ડો.નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે મહિલાઓને સમાન તક મળતા હવે ધીરે ધીરે ખુબ જ પ્રગતિ કરી રહી છે અને અનેક વિભાગોમાં નેતૃત્વ કરી રહી છે.કોઈપણ દેશ અને સમાજની પ્રગતિ માટે મહિલાઓનું શિક્ષિત અને નિર્ણાયક હોવું જરૂરી છે.અને આદિવાસી સમાજ હંમેશા સ્ત્રીસ્વતંત્રતા અને કેળવણીનો હિમાયતી રહ્યો છે.આથી આવી જ રીતે દરેક માનુનીઓનું સન્માન એ આખા સમાજ,સ્થળ અને દેશનું ગર્વ છે અને અમને પણ ગૌરવવંતી મહિલાઓનું આવી રીતે સન્માન કરવાનો મોકો મળ્યો એનો ખુબ જ આનંદ છે.આ પ્રસંગે કોલેજના સ્ટાફમાંથી ખુમરાજભાઈ,સ્નેહલ,પ્રિયંકા અને ટીમ સમસ્ત આદિવાસી સમાજમાંથી ડો.દિવ્યાંગી,ડો.કૃણાલ,મિન્ટેશ પટેલ,કીર્તિ પટેલ,કાર્તિક,આયુષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.