રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયેલા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે ભારત વિકાસ માટે જરૂરી સુધારાઓ કરવામાં નિષ્ફળ રહ્યું છે. માટે આવતું વર્ષ ભારતીય અર્થતંત્ર માટે તેમજ વિશ્વ માટે પણ મુશ્કેલ રહેશે.

તેમણે કહ્યું હતું કે દેશના નીચલા મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડાવી જોઇએ કારણ કે કોરોના મહામારીને કારણે આ વર્ગ જ સૌથી વધારે પ્રભાવિત થયો છે. રાજને સાથે જ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સાનુકૂળ વાતારવણના સર્જન પર પણ ભાર આપ્યો હતો અને કહ્યું હતું કે ટકાઉ ઊર્જાના ક્ષેત્રમાં હરિત ક્રાંતિ પર ભાર અપાવો જોઇએ. દેશમાં આગામી ક્રાંતિ સેવા ક્ષેત્રે આવી શકે છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી રાજન સાથેની વાતચીત અનુસાર, રાહુલે રાજનને ભારત, અમેરિકા અને અન્ય દેશોની આર્થિક સ્થિતિ, નાના ઉદ્યોગો સામે રહેલા પડકાર અને આર્થિક અસમાનતા વિશે અભિપ્રાય પૂછયો હતો. રાહુલે જ્યારે દાવો કર્યો કે ભારતમાં માત્ર 4-5 ઉદ્યોગપતિઓ જ ધનિક બની રહ્યા છે અને બાકીનો દેશ પાછળ રહી ગયો છે, અને ઉદ્યોગપતિઓનું ભારત અલગ છે અને ખેડૂતોનું ભારત અલગ છે ત્યારે રાજને કહ્યું હતું કે આ મોટી સમસ્યા છે પરંતું આ મૂડીવાદની વાત નથી. તેમણે કહ્યું હતું કે ઉપલા મધ્યવર્ગની આવક વધી છે કારણ કે તેઓ કોવિડ-19 મહામારીમાં ઘરેથી પણ કામ કરી શક્યા હતા પરંતું જેલોકો ફેક્ટરીઓમાં કામ કરતા હતા તેમણે પોતાની આવક ગુમાવી છે.આમ મહામારીમાં આ અંતર વધ્યું છે. ધનિકોને કોઇ સમસ્યા નહોતી થઇ, નીચલા વર્ગને મફતમાં રેશન અને અન્ય વસ્તુઓ મળી હતી પરંતુ નીચલા મધ્યમવર્ગને મોટું નુકસાન થયું હતું. તે વખતે કોઇ રોજગાર નહોતા અને બેરોજગારી વધી હતી.