વાંસદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની આગલી રાતે દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ વાંસદા વિધાનસભાના ભાજપ ઉમેદવાર પીયૂષ પટેલ પર થયેલા હુમલાના આરોપીઓની ધરપકડની માંગને લઈને આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનના ઘેરાવની ચીમકી પોલીસને આપી હતી.
દિવ્ય ભાસ્કરમાં છપાયેલા અહેવાલ પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં વાંસદા બેઠક પર ભાજપ તરફતી પીયૂષ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. પીયૂષ પટેલ અને ભાજપના કાર્યકર્તાઓ પર ઝરી ગામમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે જે તે સમયે ભાજપના ઉમેદવાર દ્વારા જીવલેણ હુમલાની કલમ લગાડવાની માગ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા જ દિવસે આરોપીઓને જામીન મળી ગયા હતા. આ મામલાને લઈ વાંસદા ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ વાંસદા સર્કિટ હાઉસ ખાતે ભેગા થયા હતા અને વાંસદા પોલીસ સ્ટેશનના પીએસઆઈને મળી રજૂઆત કરી હતી.
આ અહેવાલમાં મુજબ ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલે કહ્યું હતું કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી વિરોધ કરાશે.