મુંબઈ: પ્રથમ લગ્ન અસ્તિત્વમાં હોય અને પહેલી પત્નીની સંમતિ વિના જો પતિ અન્ય મહિલા સાથે લગ્ન કરે તો એ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮-એ હેઠળ ક્રૂરતા ગણાય છે, એમ બોમ્બે હાઈકોર્ટે તાજેતરના ચુકાદામાં જણાવ્યું છે.

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે પતિના આવા કૃત્યથી પત્નીને ઊંડો આઘાત લાગે છે અને તેની માનસિક આરોગ્યને ઘેરો ઘા પહોંચે છે. જો કાયદામાં આ કૃત્યને ક્રૂરતા ગણાશે નહીં તે કાયદાનો હેતુ પાર પડશે નહીં આથી આ અર્થઘટન જરૃરી છે જેથી કાયદાનો હેતુ પાર પડી શકે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના જજ શુકરે અને જજ ચાંદવાનીની બેન્ચે પત્ની પ્રત્યે ક્રૂરતા આચરવા બદલ પતિ અને તેના પરિવારજનો સામે નોંધાયેલી FIR રદ કરવાનો ઈનકાર કર્યો હતો.

FIR મુજબ દરેક અરજદારોએ મહિલા સાથે આકરી ક્રૂરતા આચરી હતી. પત્ની ગર્ભવતી હોવા છતાં તેની સાથે બળજબરીથી સંભોગ કર્યો હતો જેને લીધે તેને ગર્ભપાત થયો હતો. કોર્ટે નોંધ્યુંહતું કે પતિએ પ્રથમદર્શી રીતે તેની સાથે જંગલી જેવો વ્યવહાર કર્યો છે, એમ કોર્ટે નોંધ્યું હતું. પરિવારના દરેક સભ્યોએ પતિને ક્રૂરતા આચરવા પ્રોત્સાહન આપ્યું છે. પતિએ અન્ય મહિલા સાથે પરિવારજનોની મદદથી લગ્ન પણ કર્યા હતા. જે વસ્તુ બંને પત્નીઓના વિશ્વાસઘાત સમાન છે.