નર્મદા: ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે થઈ હતી જેમાં નાંદોદ બેઠક પર ડો દર્શનાબેન દેશમુખની જીત થઈ છે. જ્યારે સૌથી ચર્ચિત જે ગુજરાત જ નહિ પરંતુ દેશભરમાં ચર્ચામાં રહેલ સીટ એટલે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટના ઉમેદવાર ચૈતર વસાવા જેને આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા છે. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશ દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ મત મળ્યા છે.

કોણ છે ડેડીયાપાડા બેઠકના ઉમેદવાર?

ચૈતર વસાવાની વાત કરીએ તો, ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે, તેઓ ખેતીવાડી અને મહેનત-મજૂરી કરીને ભણ્યા છે. બાદમાં ગ્રેજ્યુએટ પૂરું કર્યું. ગ્રેજ્યુએટ બાદ થોડો સમય ગ્રામસેવક ભરતી આવી તેમાં તેઓ પસંદગી પામ્યા હતા અને તેમણે ગ્રામસેવક તરીકે સરકારી નોકરી કરી ત્યાર બાદ તેઓએ ગ્રામસેવક માંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. તેઓ નોકરી કરતા હતા ત્યારે સાઈડમાં એક ઓફિસ પણ ચાલુ હતી, જ્યાં લોકો માટે મફત સેવા કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે, લોકો અમારી ઓફિસે કોઈ પણ યોજનાના કે અન્ય કોઈ પણ ફોર્મ ભરાવવા આવતા અને કહેતા કે તમે ફોર્મ ભરીને આપો છો તો અમારાં કામ થઈ જાય છે, તો તમે રાજકારણમાં આવોને? તમારા જેવા લોકોની ત્યાં જરૂર છે, પણ મારી આર્થિક સ્થિતિ ખરાબ હતી તો મૂંઝવણ હતી કે નોકરી કેમ છોડવી? પરિવારજનો પણ કહેતા કે મુશ્કેલીથી નોકરી મળી છે તો પછી ઘર કેમ ચાલશે? જોકે એક સપ્તાહ સુધી વિચાર કર્યા બાદ અંતે નોકરી છોડવાનું નક્કી કરી જાહેર જીવનમાં આવ્યો.

તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે, તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે.

નોકરી છોડ્યા પછી ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. લોકોના પ્રશ્નો ઉઠાવતી વખતે જેલમાં જવું પડ્યું ત્યારે સ્થિતિ વિકટ બની હતી. ત્રણ મહિના રાજકોટ જેલમાં અને સાત મહિના તડીપારમાં બહાર રહેવાનું થયું. આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી, પણ મારા ગામના લોકો અને આજુબાજુના ગામના લોકોએ ખૂબ સાથ-સહકાર આપ્યો હતો. જેમનાથી બને એ રીતે 500 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની મદદ કરતા હતા. એનાથી મારું મનોબળ મજબૂત થયું હતું.