ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક-આછવણી ગામે આવેલ “તાંત્યા મામાં ભીલ સર્કલ” પર સમગ્ર ભારત દેશની આઝાદીના લડવૈયા તેમજ વીર સપૂત અને મહાન ક્રાંતિસૂર્ય એવા તાંત્યા મામાં ભીલ કે જેમણે પોતાની જિંદગી અંગ્રેજો સામે ભારત દેશની આઝાદી માટે તેમજ ગરીબો, વંચિતો,શોષિતોના હક-અધિકાર માટે ખર્ચી નાખી હતી અને દેશની અપ્રિતમ સેવા કરી પોતાનું નામ ભારત દેશના ઇતિહાસમા સુવર્ણ અક્ષરે લખાવ્યું છે એમની 133 મી પુણ્યતિથિ નિમિતે પાણીખડક આછવણી તેમજ આસપાસના ગામના સ્થાનિકો અને ખેરગામના આગેવાનો દ્વારા ખુબ જ મોટી સંખ્યામાં ભેગા થઇ આદરાંજલિ આપવામા આવી.

જુઓ વિડીયો..

આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે તાંત્યા મામાં ભીલ ભારતીય ઇતિહાસનું એક અવિષ્મરણીય પાત્ર છે કે જેમનો ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાવો જોઈતો હતો, પરંતુ ઇતિહાસકારોના ભેદભાવયુક્ત વલણના લીધે એમના પાત્રને જોઈએ એવો ન્યાય મળેલ નહીં. પરંતુ હવે ડિજિટલ યુગમાં સોશ્યિલ મીડિયા અને વિવિધ માહિતીઓ સરળતાથી ઉપલબ્ધ થવાના કારણે તાંત્યા મામાં ભીલનું જીવનચરિત્ર લાખો લોકો સુધી પહોંચ્યું છે. આજે ખુબ જ મોટી સંખ્યામાં ભેગા થયેલ લોકોએ જિંદગીમાં ખુબ સારા કામો કરી, તાંત્યા મામાં જેવા મહાન દેશભક્ત અને સમાજસેવક તેમજ અન્યાય સામે લડવાની પ્રતિજ્ઞા લીધી અને તાંત્યા મામાના બોર્ડને સ્થાનિક આગેવાનો દ્વારા ફુલહાર કરી મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.