નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રોજેકટ આવ્યાં બાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. તેવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ, SOUADTGA (Statue of Unity Area Development and Tourism Governance Authority) એ ગરૂડેશ્વર તાલુકામાં ચાલતાં ખાનગી બાંધકામો બંધ કરાવી દેવા ગ્રામ પંચાયતોને નોટિસ આપતાં લોકોમાં રોષ જોવા મળી રહયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે રોજના હજારો પ્રવાસીઓ કેવડીયામાં આવતાં હોવાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. પ્રવાસીઓના રહેવા- જમવા સહીતની સુવિધાઓ ઉભી થાય તે માટે હોટલો, રેસ્ટોરન્ટ, ટેન્ટ સિટી, સોસાયટીઓ તથા અન્ય બાંધકામો ઝડપથી વધી રહયાં છે. સ્થાનિક લોકો ધંધા, રોજગાર મેળવવા માટે નાના મોટા બાંધકામ કરી હોટેલ, નાની દુકાનો, હોમસ્ટે બાંધી રહ્યા છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળની કાર્યવાહીથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગરૂડેશ્વર તાલુકામાં સ્થાનિક લોકો નાના મોટા ધંધા કરી રોજગાર મેળવવા માટે પાકું બાંધ કામ કરી રહ્યા છે. ત્યારે તેમાં રોડા નાખતા હોય તેમ સત્તામંડળમાં સમાવેશ 18 ગામોની હદ વધારી દેવામાં આવી છે તેમજ દ્વિતિય હદ વિસ્તારમાં સમાવેશ થતાં ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં ચાલતાં બાંધકામો તાત્કાલીક અસરથી બંધ કરાવવા SOUADTGAના અધિકારીઓએ ટીડીઓ, મામલતદાર અને તલાટીઓને આદેશ કર્યો છે કે, તમામ ગ્રામપંચાયતને SOUADTGA દ્વારા એક નોટીસ આપીને હદ વિસ્તરણમાં આવતાં ગામોમાં થતાં બાંધકામના પુરાવાઓ સંલગ્ન કચેરીમાં જમા કરાવવા માટે આદેશ કરાયો છે.

નોટીસમાં જણાવ્યા મુજબ, જે 19નો સમાવેશ કરવામાં આવ્યો છે એ ગામોના જમીન માલિકો દ્વાર હાલમાં ગેસ્ટ હાઉસ, ટેન્ટ હાઉસ, રિસોર્ટ તથા રહેણાક( સોસાયટી) માટે બાંધકામ કરવામાં આવી રહેલ છે. તો સદર બાંધકામોને લગતા પુરાવાઓ જેવા કે, જમીન માલિકીનો રેવન્યુ રેકર્ડ (૭/૧૨, ૮/અ, ગામ નમૂના નં. ૬), નગર નિયોજકશ્રી, નર્મદા (રાજપીપળા) કચેરી દ્વારા અભિપ્રાય સહ પાઠવેલ લે-આઉટ પ્લાન/બિલ્ડિંગ પ્લાન, ગ્રામ પંચાયત દ્વારા પાઠવેલ બાંધકામ પરવાનગી અથવા સક્ષમ અધિકારી તરફથી પાઠવેલ બિનખેતી હુકમ, ચીફ ફાયર ઓફિસર, રાજપીપલા અથવા રીજીનલ ફાયર ઓફિસર સુરત પાસેથી મેળવેલ ફાયર અંગેના પ્રમાણપત્ર તથા હોટેલમાં ફાયર હાઇદ્રન્ટ, સિસ્ટમ લગાવેલ હોઇ તો તેના ફોટોગ્રાફની પ્રમાણિત નકલ અત્રેની કચેરીએ પુરાવા દિન ૭ માં રજુ કરવા જમીન માલિક અને કબજેદારોને નોટિસ પાઠવવામાં આવે છે.

SOUADTGAની દ્વિતિય હદ વિસ્તરણમાં સમાવેશ થયેલાં ગામો જેમાં ગરૂડેશ્વર, બોરિયા, ગભાણા, ભુમલિયા, કોઠી, ગાડકોઇ, ખલવાણી, પંચમુળી, ઉમરવા (જોષી), ભીલવસી, ભાણદરા, વાંસલા (પૂર્ણ ગામ), મીટી રાવલ, નાની રાવલ, અકતેશ્વર, વડગામ (પૂર્ણ ગામ), ખડગદા, આમદલા ગામનો સમાવેશ થાય છે. આ 18 ગામોના કેટલાક ભાગનો અમુક સર્વે નંબર જયારે બે પૂર્ણ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં પણ હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના નિયમો લાગુ પડી જશે.