નર્મદા: સમગ્ર ગુજરાતમાં વર્તમાન સમયમાં ચુંટણીનો માહોલ જામી ચુક્યો છે અને મતદાન કરવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભરમાં પક્ષ વિરૂદ્ધ કામગીરી કરનારને પ્રદેશ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા કોલાહલ મચી જવા પામ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા હર્ષદ વસાવા અને એમનો પ્રચાર કરનાર અગાઉ 4 હોદ્દેદારોને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જે ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે બીજેપીમાં ફરી હડકંપ સામે આવ્યો છે, આજે ફરી વધુ 3 આગેવાનોને સસ્પેન્ડ કરતાં રાજકારણ ગરમાયું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ બળવો કરનાર કાર્યકરો અને હોદ્દેદારો વિરૂદ્ધ પાર્ટીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે નર્મદાની નાંદોદ વિધાનસભામાં ભાજપના વધુ 3 હોદ્દેદારો જેમાં નાંદોદ તાલુકા પંચાયત સભ્ય હિતેશ બાલુ વસાવા ઢોલાર, નાંદોદ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભદ્રેશભાઈ દિનેશભાઈ પટેલ, પોઇચા અને ઝરવાણી ગામના સરપંચ સોમાભાઈ રૂપાભાઈ વસાવા આ ત્રણ સભ્યોને આજે સસ્પેન્ડ કરતાં હજુ કેટલાય સસ્પેન્ડ થાય એવી શક્યતાઓથી કાર્યકરોમાં ફફડાટ ફેલાયો હતો.

