નર્મદા: ગતરોજ રાજપીપળા (નાંદોદ) ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ 24 તારીખે રોડ શો કરવાનો છે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સ્ટાર પ્રચારક તરીકે આવવાના છે. નાંદોદ નગરના રોડ શો નીકળે એ પહેલા રાજપીપળા નગર પાલિકા દ્વારા પોસ્ટર હટાવવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, રોડ શો પહેલા જ પોસ્ટર હટાવી દેવાથી નર્મદા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.

નગર પાલિકાની કાર્યવાહી સામે અનેક સવાલો આમ આદમી પાર્ટીએ ઉભા કર્યા હતા અને પંજાબથી આવે જિલ્લા પ્રભારી એસ. બળવંતસિંહએ નગર પાલિકા ઉપર આકરા પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, નગર પાલિકાના કર્મચારીઓ પક્ષપાત કરે છે, રાજપીપળામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવવાના હતા, તેમના રોડ શો રૂટ પર આમ આદમી પાર્ટીના પોસ્ટર ઝંડા અને બેનર લગાવ્યા હતા તે હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે ભાજપના બેનર, ઝંડા, પોસ્ટર હટાવવામાં આવ્યા નથી. અમારા પંજાબમાં નગર પાલિકામાં બધીજ પાર્ટીના બેનર લાગેલા હોઇ છે અને જો કાર્યવાહી કરવામાં આવે તો બધાના પક્ષના બેનર, ઝંડા, પોસ્ટર હટાવે છે, પંજાબમાં પક્ષપાત નથી કરતા પરંતુ મે ગુજરાતમાં જોયું છે કે અહીંયા તાનાશાહી કરે છે.

તેમણે સવાલ કર્યા હતા કે, અમારા પક્ષના ઝંડા, બેનર, પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે. આવું કેમ ? ભાજપ તાનાશાહી કેમ કરી રહી છે ? કેમ આમ આદમી પાર્ટીથી ડરી રહી છે?

વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની મોદી સરકાર તાનાશાહી કરી રહી છે આવતી કાલે અમિત શાહ રાજપીપળા આવે છે એટલે એમના ઝંડા નથી હટાવ્યા અને આમ આદમી પાર્ટીના પોસ્ટર, ઝંડા હટાવી લીધા છે. શું આ છે ગુજરાત મોડલ ભાજપનું ગુજરાત મોડલ ફેલ છે, અમે ગુજરાતનાં ગામડાની મુલાકાત લીધી છે ગામડાઓમાં શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ નથી. ભાજપ ખાલી શહેરોના ફોટા બતાવી દેખાવો કરે છે, વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

અમે પરમિશન લીધી હતી, દરેક પક્ષ પરમિશન લેતા હોય છે એમ અમે પણ લીધી હતી, પરંતુ ભાજપના ઇશારે નગર પાલિકા પક્ષપાત કરે છે કારણ કે આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવવાના છે અને ભાજપ ડરી ગઈ છે જેથી હવે પોસ્ટર હટાવે છે. પોસ્ટર હટાવવા થી કઈ નહિ થાય હવે જનતાએ મન બનાવી લીધું છે ગુજરાતમાં પરીવર્તન લાવવું છે.