ઝઘડીયા: ગુજરાતમાં ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ઉમેદવાર ને લઈને વિવાદ પણ સર્જાતા હોય છે આવું જ કઈક બન્યું છે, ઝઘડીયા વિધાનસભા બેઠક પર, ઝઘડીયા બેઠકના કારણે પિતા પુત્ર વચ્ચે ઘમાસાણ થી આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી પાર્ટી તૂટી ગઈ છે, BTP સ્થાપક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ઝઘડીયા વિધાનસભા બેઠક પર પિતાની ટિકિટ કાપી પોતે BTP માંથી ઉમેદવાર તરીકે જાહેર કરતા ઘરમાં જ વિવાદ સર્જાયો હતો અને આ વિવાદ હવે પક્ષ અને અપક્ષ ઉમેદવારી કરવા સુધી પહોંચી ગયો છે. આજે છોટુ વસાવાએ અપક્ષ ફોર્મ ભર્યા બાદ મહેશ ભાઈ વસાવા પણ BTP પાર્ટી માંથી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

આપને જણાવી દઇએ કે, લગભગ ચાર દાયકાથી ઝઘડિયા બેઠક પર છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. પરંતું આ વખતે વસાવાના પરિવારમાંથી ટિકિટને લઈને કકળાટ સામે આવ્યો છે. મહેશ વસવાએ તેમના પિતા છોટુ વસાવાની સામે મોરચો માંડ્યો છે. બીટીપી પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ છોટુ વસાવાની ચૂંટણી લડવાની જાહેરાતથી ઝઘડિયા બેઠકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. છોટુ વસાવા આજે (સોમવાર) ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દિલીપ વસાવાના રાજીનામાના બીજા દિવસે છોટુ વસાવાએ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને આજે પોતાના હજારો સમર્થકો સાથે અપક્ષ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ મહેશ વસાવા પણ BTP માંથી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

ત્યારે સવાલ થાય છે, શું પુત્રએ હાઈજેક કરી પિતાની BTTS અને BTP પાર્ટી? શા માટે થઈ રહ્યું છે ઘરમાં રાજકારણ? એવું તે શું થયું કે પુત્ર સામે હવે પિતા એ લડવું પડશે અપક્ષ? મહેશ વસાવાએ ડેડીયાપાડા સીટ છોડી કેમ જવુ પડ્યું પિતાની સીટ પર?

મહત્વનું છે કે, બે દિવસ પહેલા, છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP અને BTTS માંથી રાજીનામું આપી દીધું હતું અને તેમણે જણાવ્યું હતું કે, ‘BTP તથા BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા જે પ્રમાણે માનનીય છોટુભાઈ વસાવાની જે અવગણના થઈ છે, જેના કારણે ST, SC, OBC, માઈનોરિટી સમાજના અધિકારની લડાઈને ભારે નુકસાન થઈ રહ્યું છે, એ જોતાં હું દિલીપભાઈ છોટુભાઇ વસાવા BTP અને BTTS તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું.