ગુજરાત: આજથી ગુજરાતની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થયું છે. આજથી એટલે કે 10મી નવેમ્બરને ગુરુવારથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રથમ સત્રમાં શૈક્ષણિક કાર્ય માટેના 104 દિવસ હતા. બીજા શૈક્ષણિક સત્રમાં રજાઓ અને પરીક્ષાના દિવસો બાદ કરતાં 137 દિવસ શૈક્ષણિક કાર્ય ચાલશે. 2021 દિવસના દિવાળી વેકેશનમાં સૂમસામ પડેલા ધોરણ.1થી 12ની સ્કૂલોના કેમ્પસ ગુરૂવારથી રાજ્યના 1.15 કરોડથી વધુ બાળકોના કિલ્લોલથી ગૂંજી ઊઠશે.
રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી અંદાજે 41,314 જેટલી પ્રાથમિક શાળા તેમજ 4,659 માધ્યમિક અને 8,321 જેટલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 20મી ઓક્ટોબરને ગુરુવારથી 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું હતું. બીજા સત્રમાં 10મી નવેમ્બર,2022થી 30મી એપ્રિલ, 2023 સુધીનાં 137 દિવસ ફાળવાયા છે. બીજા સત્રમાં માસ પ્રમાણે થનાર શૈક્ષણિક કાર્યના દિવસોમાં નવેમ્બરમાં 18 દિવસ, ડીસેમ્બરમાં 27, જાન્યુઆરી-23માં 24, ફેબ્રુઆરી-23માં 23, માર્ચ-23માં 24 અને એપ્રિલ-23માં 21 મળી કુલ 137 દિવસ નક્કી કરાયાં છે. બીજા સત્રના શૈક્ષણિક કાર્ય બાદ શાળાકીય વાર્ષિક પરીક્ષા 10મી એપ્રિલથી અને બોર્ડની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થશે.

