વર્તમાન સમયમાં આપણે જોઈએ છે કે ઘણા લોકો કાર ખરીદવા, બાળકોના ભણતર, લગ્ન, બિઝનેસ કરવા અને ઘર ખરીદવા માટે બેન્કમાંથી લોન લે છે. જો કોઈ ગ્રાહક લોન લીધા બાદ ફિક્સ્ડ તારીખ સુધીમાં લોનનો હપ્તો ના ચૂકવે તો આ પ્રકારની પરિસ્થિતિમાં બેન્ક ગ્રાહકોને ફોન કરવા લાગે છે અને મેસેજ મોકલવા લાગે છે. પૈસા ચૂકવવામાં ના આવે તો રિકવરી એજન્ટ ગ્રાહકોને ડરાવતા અને ધમકાવતા પણ હોય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં ગ્રાહકોને પોતાના અધિકાર વિશે જાણકારી હોતી નથી. આ કારણોસર રિકવરી એજન્ટ ગ્રાહકોને પરેશાન કરવા લાગે છે. જો તમારી સાથે પણ આ પ્રકારે કરવામાં આવ્યું છે તો, અહીંયા અમે તમને ગ્રાહકોના અધિકાર વિશે જાણકારી આપી રહ્યા છીએ.

આ કિસ્સામાં RBI એ કેટલાક નિયમો બનાવ્યા છે. જો ગ્રાહક લોન ના ચૂકવી શકે અને કોઈ બેન્ક ગ્રાહકોને ડરાવે અથવા ધમકાવે તો ગ્રાહક તે અંગે પોલીસ ફરિયાદ કરીને પેનલ્ટી પણ માગી શકે છે. બેન્કને પોતાના ડૂબેલા પૈસા વસૂલવાનો અધિકાર છે, પરંતુ તે માટે બેન્કે RBIએ બનાવેલ નિયમોનું પાલન કરવાનું રહેશે. બેન્કનો ઓફિસર અથવા રિકવરી એજન્ટ ડિફોલ્ટરને સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી જ કોલ કરી શકે છે. ઉપરાંત ડિફોલ્ટરના ઘરે જવાનો સમય પણ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધીનો જ છે. આ સમય સિવાય બેન્કનો પ્રતિનિધિ આવે તો તમે તે અંગે કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

જો કોઈ ગ્રાહક આગામી 90 દિવસોમાં હપ્તાના પૈસા જમા ના કરે તો બેન્ક તે ગ્રાહકને નોટીસ મોકલે છે. ત્યારબાદ પૈસા જમા કરાવવા માટે અન્ય 60 દિવસનો સમય આપવામાં આવે છે. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ પૈસા જમા ના કરે તો બેન્ક તે વ્યક્તિની સંપત્તિ (ઘર અને કાર) ની હરાજી કરીને પોતાના પૈસા વસૂલી શકે છે.

જો તમે બેન્ક પાસેથી લોન લીધી છે અને તમે તે લોન ચૂકવી શકતા નથી તે પરિસ્થિતિમાં બેન્ક રિકવરી માટે સંપર્ક કરી શકે છે. જો તમે પૈસા ચૂકવી શકતા નથી તો બેન્કના અધિકારી અથવા રિકવરી એજન્ટને ગેરવર્તણૂંક કરવાનો કોઈ જ અધિકાર નથી. જો કોઈ બેન્ક અધિકારી તમને માનસિક અથવા શારીરિક રીતે પરેશાન કરે છે, તો તમે બેન્કને તેની ફરિયાદ કરી શકો છો. RBIના નિયમ અનુસાર તમને હેરાન કરનાર વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તમે પોલીસ ફરિયાદ કરીને તમે દંડ પણ વસૂલી શકો છો.