વાંસદા: હવે વિધાનસભાની ચુંટણીના ગણતરીના દિવાસો બાકી છે ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી બેઠકો ઉપર ભાજપ ધ્યાન આપી રહ્યું છે અને ચુંટણી જીતવા લડાયક મુડમાં આવી ગયું હોય તેમ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભાજપના મહુડી મંડળ સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી સમીક્ષા કરી નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોની સમીક્ષા અને ઉમેદવારો નક્કી કરવાની માહિતી સુત્રો દ્વારા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની અને તેમાં પણ ખાસ કરીને ચાર વિધાનસભા પૈકી વાંસદા બેઠક, જેના પર કોંગ્રેસનો કબજો છે. જેના માટે આ વખતે ભાજપ એડીચોટીનું જોર લગાવશે.

ત્યારે બેઠક ઉપર ઉમેદવારોની પસંદગીના સમીકરણો પર ધ્યાન આપીએ.. નવસારીની વાંસદા બેઠક પર ધારાસભ્ય અનંત પટેલે અનેક આંદોલનો થકી આદિવાસી લોકોમાં બહુજ લોકચાહના મેળવી આદિવાસી સમાજમાં મસિહાની છાપ ઊભી કરી શક્યા છે જેથી વાંસદા બેઠક અનંત પટેલ એટલે કે કોંગ્રેસ માટે સેફ બેઠક માનવામાં આવી રહી છે એવામાં ભાજપ સામે એક મોટો પડકાર ઉભો થયો છે. ભાજપે જો વાંસદા બેઠકનો ગઢ સર કરવો હોય તો કોઈ પ્રભાવી આદિવાસી ચેહરો મેદાનમાં ઉતારવો પડશે.

ભાજપના અમુક કાર્યકર્તાઓ ઈચ્છે છે કે ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય અને વર્તમાન પુરવઠા અને આદિજાતિ મંત્રી  નરેશ પટેલ વાંસદાથી ચૂંટણી લડે, પણ શું વાંસદાની જોખમી બેઠક પર નરેશ પટેલ ચુંટણી લડશે ખરા.. એ પણ એક મોટો પ્રશ્ન છે. તેવામાં હાલમાં વાંસદા બેઠક પર ભાજપ દ્વારા યુવા રાજકારણ રમાશે એવા સ્થાનિક રાજકીય એંધાણ લોકો લગાવી રહ્યા છે. ત્યારે હાલમાં યુવાઓમાં લોકપ્રિય અને આધુનિકતા સાથે તાલમાં તાલ મિલાવી આદિવાસી સમાજને આગળ વધતા જોવાની ઈચ્છા રાખનારા અને પિતાનું લોકસેવાનું સપનું રાજકારણમાં આવીને સાર્થક કરવાની ભાવના ધરાવતા ડો. વિશાલ પટેલ અને શ્રી હોસ્પીટલના ડો. લોચન શાસ્ત્રી કે મામલતદાર તરીકે હાલમાં ફરજ બજાવી રહેલા પિયુષ પટેલ વગેરેના નામો લોકોના મુખે ચર્ચાય રહ્યા છે. આ સિવાય ગણપત માહલા, શાંતુ ગાંવિત, ભુપેન્દ્ર પટેલ નામો ગણાવી શકાય. હવે જોવું એ રહ્યું કે ભાજપના મહુડી મંડળનો આખરી નિર્ણય શું હશે..