પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયાનાં એકતા નગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપી હતી અને ત્યારબાદ મિશન લાઇફ- LiFEનો શુભારંભ કર્યો હતો. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના તમામ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 11 દેશોના વડાઓ દ્વારા મિશન લાઇફના પ્રારંભ પર અભિનંદનના વીડિયો સંદેશાઓ પણ રિલે કરવામાં આવ્યા હતા.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારત મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસ માટે બીજાં ઘર જેવું છે અને તેમણે પોતાની યુવાનીના દિવસોમાં ઘણી વખત ભારતની મુલાકાત લીધી હતી. તેમણે વધુમાં શ્રી ગુટેરેસના ભારતનાં ગોવા રાજ્ય સાથે પૂર્વજોનાં જોડાણ તરફ ધ્યાન દોર્યું. પ્રધાનમંત્રીએ ભારતની મુલાકાત લેવાની તક ઝડપવા બદલ શ્રી ગુટેરેસનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં તેમનું સ્વાગત કરવું એ પરિવારના સભ્યનું સ્વાગત કરવા સમાન છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે, ક્લાઈમેન્ટ ચેન્જ સામે વિશ્વભરની યુનિટી જરૂરી છે. ભારત ક્લાયમેન્ટ ચેઇન્જ જેવી વૈશ્વિક સમસ્યામાં સૌથી આગળ આવીને કાર્ય કરી રહ્યો છે. આજે ભારત પ્રગતિ સાથે પ્રકૃતિને પણ સાચવી રહ્યું છે. મહાત્મા ગાંધીએ ટ્રસ્ટીશીપ વિશે વાત કરી હતી, મિશન લાઇફ આપણને પર્યાવરણના ટ્રસ્ટી બનવા પ્રોત્સાહિત કરે છે.

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર અને મિનિસ્ટર ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ એન્ડ કોર્પોરેશન ઓફ બોટસવાના ટુ ઇન્ડિયા ડો.લેમોગેંગ કવાપે મુલાકાત કરી હતી. આ તબક્કે વૈશ્વિક મુદ્દાઓને લઈને બંને વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ 120 દેશના રાજદૂતો પણ કેવડીયા ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.

ગયા વર્ષે ગ્લાસગોમાં 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP 26) દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા LiFEનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે, જે ‘વિવેકહીન અને વિનાશક વપરાશ’ને બદલે ‘વિવેકશીલ અને હેતુસર ઉપયોગ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીએ માનવ–કેન્દ્રિત, સામૂહિક પ્રયત્નો અને મજબૂત કાર્યવાહીનો ઉપયોગ કરીને આપણી પૃથ્વી દ્વારા જે પડકારોનો સામનો કરવામાં આવે છે તેના સમાધાન માટે સમયની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો જે ટકાઉ વિકાસને ઉત્તેજન આપે છે.

શું છે મિશન Life ?

1લી નવેમ્બર 21ના રોજ ગ્લાસગો ખાતે COP26માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “પર્યાવરણ માટેની જીવનશૈલી (LiFE)ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓના વૈશ્વિક સમુદાયને LiFEને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન તરીકે ચલાવવા માટે હાકલ કરવામાં આવી હતી. LiFEનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાધે અને તેને નુકસાન ન પહોંચાડે. આવા લોકો જે આવી જીવનશૈલી જીવે છે, તેમને “પ્રો–પ્લાનેટ પીપલ” કહેવામાં આવે છે. મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા છે. ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે.

મિશન LiFEનો ઉદ્દેશ્ય, મિશન LiFE વર્ષ 22-23થી વર્ષ 2027-28ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતની અંદર વર્ષ-2028 સુધીમાં તમામ ગામડાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 80% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુ.એન.ઈ.પી.) અનુસાર, જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી એક અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે 20 ટકાનો ઘટાડો થઈ શકે છે.