નર્મદા: વિદેશ દુતાવાસોના વડાઓની 10મી કોન્ફરન્સનું આયોજન વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા કેવડિયામાં 20 થી 22 ઓક્ટોબર, 2022 સુધી આયોજિત કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના પ્રથમ દિવસે પ્રધાન મંત્રી પણ હાજર રહેશે, પ્રધાન મંત્રી મોદીની સાથે સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ “એન્ટોનિયો ગુટેરેસ” પણ કેવડીયા મુલાકાતે પહોંચ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ 2 દિવસીય પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રાલયની પણ મુલાકાત લેશે. કેન્દ્રિય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આ કોન્ફરન્સમાં હાજર રહેશે. આ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી) નો શુભારંભ કરવામાં આવશે.
મહત્વનું છે કે, મિશન LiFE એ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ પરિકલ્પના અનુસાર, ભારતની આગેવાનીમાં વૈશ્વિક સામૂહિક અભિયાન હાથ ધરવાનું આયોજન છે જે પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી માટે વ્યક્તિગત અને સામૂહિક કામગીરી માટે મદદરૂપ બનશે.
આ પરિષદમાં સમગ્ર વિશ્વભરમાં ભારતીય દુતાવાસોના (રાજદૂતો અને હાઇ કમિશનર)ના 118 વડાઓ ભેગા થશે. ત્રણ દિવસ સુધી ચાલનારા તેના 23 સત્રો દ્વારા, આ પરિષદ પ્રવર્તમાન ભૂ-રાજકીય અને ભૂ-આર્થિક પર્યાવરણ, જોડાણ, ભારતની વિદેશ નીતિની પ્રાથમિકતાઓ વગેરે જેવા મુદ્દાઓ ઉપર વિગતવાર આંતરિક ચર્ચા હાથ ધરવાની તક પ્રદાન કરશે. આ મિશનના વડાઓ અત્યારે મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ, એક જિલ્લો એક પ્રોડક્ટ, અમૃત સરોવર મિશન જેવી બાબતો અંગે ભારતના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા અભિયાનોથી પોતાને સુપરિચિત બનાવવા માટે તેમના સંબંધિત રાજ્યોની મુલાકાત લઇ રહ્યાં છે.
પ્રધાન મંત્રીના આગમન પહેલા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, તમામ વ્યવસ્થાને આંખારી ઓપ આપી દેવામાં આવ્યો છે, પ્રધાન મંત્રીની સુરક્ષા માટે કેવડીયા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

