ધરમપુર: ગતરોજ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને શૈક્ષિક મહાસંઘ, વલસાડના ઉપક્રમે પ્રતિભાશાળી શિક્ષકોના સન્માન કાર્યક્રમ મોડેલ સ્કૂલ માલનપાડા, તાલુકો- ધરમપુર, જિલ્લો વલસાડ ખાતે યોજાયો જેમાં ઘણા શિક્ષકોએ હાજરી આપી હતી. .
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના શિક્ષણાધિકારીશ્રી કે .એફ. વસાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં SSC /HSC -માર્ચ 2022 બોર્ડની પરીક્ષામાં પોતાના વિષયમાં ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરનાર 59 શિક્ષકોનું સન્માનપત્ર અને મેડલ દ્વારા સન્માન થયું. યજમાન શાળાના વર્ગ-૨ આચાર્ય ડો. વર્ષા બી પટેલ આવકાર પ્રવચન કર્યું અને શૈક્ષિક મહાસંઘ વલસાડ, માધ્યમિક વિભાગના અધ્યક્ષ શ્રી શિરીષભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું.
જિલ્લામાં નવનિયુક્ત થયેલા વર્ગ -૨ ના આચાર્યોનું પણ સન્માન થયું. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે .એફ .વસાવા સાહેબે શૈક્ષણિક તથા પરિણામલક્ષી ગુણવત્તાયુક્ત શિક્ષણ સંદર્ભે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું. બોર્ડની પરીક્ષાના પરિણામોની સમીક્ષા કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી તારેશભાઈ સોનીએ કર્યું. શૈક્ષિક સંઘ વલસાડ, ઉચ્ચ માધ્યમિક વિભાગના અધ્યક્ષશ્રી રાજુભાઈ પરમારે આભાર વિધિ કરી હતી.

