નર્મદા: હાલમાં નર્મદા જિલ્લામાં ઠેર-ઠેર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં, ગામના ચોકમાં અને શેરીઓમાં તો ગરબા થાય જ છે સાથે જ શહેરી વિસ્તારમાં મંદિરના ચોક અને પાર્ટી પ્લોટમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન સ્થાનિકોના સહકારથી કરાય છે. ત્યારે કેવડીયા “સી કેટેગરી”માં જ્યારે SRP ગ્રુપ હેડક્વાર્ટસ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
જેમાં SRP જવાનો, પરિવાર સાથે ગરૂડેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો SRP પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહ પૂર્વક ગરબા ઘૂમી જમાવટ કરી રહ્યા છે. કેવડિયામાં ગરબાના તાલે યુવાધન ઘેલું થયું; આઠમા નોરતે SRP પરેડ ગ્રાઉન્ડમાં ગરબા અને ટીમલીએ જમાવટ જોવા મળી હતી.
મહત્વનું છે કે, SRP ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવે છે. નવરાત્રિના નવ દિવસ સુધી પાર્કિંગ વ્યવસ્થા, ગરબામાં અનિચ્છનીય બનાવ ન બને એના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે, ગરબાનું આયોજન એવી રીતે કરવામાં આવે જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, 10 વાગ્યા થી 12 વાગ્યા સુધી રાસ ગરબાનું આયોજન રહે છે ત્યાર બાદ આરતી કરી ખેલૈયાઓ છૂટા પડે છે.

