રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું છે.આ મંદિર ૧૨૦૦ વર્ષ જેટલું જૂનું છે અને એની સાથે ઘણી અવિસ્મરણીય યાદો પણ જોડાયેલી છે. આ મંદિર આસ્થાની સાથે સાથે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધ નું પણ સાક્ષી છે.

અહીંયા એવી માન્યતા છે કે ભારતના સૈનિકોને માતા એ મદદ કરી અને પાકિસ્તાની સેના ને પીછેહઠ કરવી પડી હતી. આ ઘટના ની યાદમાં આજે પણ પાકિસ્તાન દ્વારા મુકાયેલ જીવીત બોંબ ત્યાંના સંગ્રહાલય માં જોવા મળી રહ્યા છે. શત્રુઓ દ્વારા ત્રણ અલગ અલગ દિશાઓમાંથી હુમલાઓ થઈ રહ્યા હતા ત્યારે તનોટ ની રક્ષા માટે મેજર જયસિંહની કમાંડ ગ્રેનેડિયર ની એક ટુકડી અને સીમા સુરક્ષા બળ ની બે ટુકડીઓ એનો સામનો કરી રહી હતી. ૧૯૬૫ માં પાકિસ્તાની સેના દ્વારા મુકાયેલા ૩૦૦૦ બોંબ આ મંદિરનું કંઈ કરી શકયા નઈ અને મંદિર ના પરિસરમાં મુકાયેલા ૪૫૦ બોંબ તો ફૂટ્યા પણ નઈ. પાકિસ્તાની સેના ત્યાં કબ્જો કરવા માંગતી હતી પણ એવું શક્ય બન્યું નહિ. પાકિસ્તાન સાથે ના યુદ્ધ દરમ્યાન જ્યારે તનોટ ને ત્રણે બાજુથી ઘેરી લીધું ત્યારે ભારતીય સેના ના કેપ્ટન મેજર જયસિંહ પાસે સીમિત સંખ્યામાં પોતાનું સૈન્ય હતું. શત્રુ સેના દ્વારા તનોટ થી જેસલમેર આવવા જવા માટે ના રસ્તા પર એન્ટી ટેન્ક માઈન્સ રાખી દીધું હતું જેથી ભારતીય સેનાની મદદ માટે રસ્તાના માર્ગે કોઈ વાહન અથવા ટેંક આવી ના શકે. પાકિસ્તાની સેના દ્વારા તનોટ આસપાસના વિસ્તારમાં ૩૦૦૦ જેટલા બોંબ ફેંક્યા પરંતુ મોટાભાગના તેમનું નિશાન ચૂકી ગયા. ૪૫૦ બોંબ મંદિરના પરિસરમાં મૂકવામાં આવેલ હતા એ પણ ફૂટ્યા નઈ.

આજે પણ ત્યાં મ્યુઝિયમ મૂકવામાં આવેલા આ જીવીત બોંબ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ મંદિર ની દેખરેખ સૈન્યના જવાનો કરે છે. ત્યાંની સાફ સફાઈ પૂજા અર્ચના પણ સૈન્યના જવાનો દ્વારા જ કરવામાં આવે છે. આ મંદિર સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે દેશભાવના અને જોશ જગાડે છે. ખરેખર ધન્ય છે આપણા દેશની સુરક્ષા કરતા દેશના દરેક સૈનિકોને કે જેના લીધે આજે ભારત દેશનો નાગરિક પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છે.

BY નિરલ પટેલ