ચીખલી: ગતરોજ ચીખલી પોલીસે દેગામમાં સોલાર ફેક્ટરીમાંથી સોલર સેલ (સોલાર પ્લેટ) ચોરી કરી નાસતા ત્રણને 1,40 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા. ચોરીનો માલ બામણવેલ ગામના કલવાચ ફળીયામાં રહેતા દશરથ પટેલનાં ઘરે સંતાડેલ હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીના પી.એસ.આઈ શ્રી સમીર.જે. કડીવાલા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ, પો.કો. શ્રી વિજયભાઈ દેવાયતભાઈ, પો.કો. શ્રી ગણપત ઈશ્વરભાઈ સાથે ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે ઈકો કાર નં. જીજે. 21 સીબી. 5270 માં ત્રણ જેટલા ઈસમો પૂઠાના ખોખામાં સોલારના ફોટોવોલ્ટિક સેલ ભરી આલીપોર દેગામથી ચાસા ગામ તરફ જનાર છે. જે હકીકત બાતમીના આધારે ચીખલી પોલીસે ચાસા ગામે મસ્જિદ પાસે વોચ ગોઠવીને બેઠા હતા. ત્યારે બાતમી મુજબની ઈકો કાર આવતા જેને રોકી તલાસી લેતા અંદરથી પુઠાના ખોખામાં સોલાર સેલનો જથ્થો મળી આવતા અને આધાર પુરાવા માંગતા ન હોવાનું જણાવતા આ જથ્થો કોઈ જગ્યાએ ચોરી અથવા છળકપટ મેળવેલ હોવાની શંકા જતાં પી.એસ.આઈ શ્રી સમીર કડીવાલાએ ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ જથ્થો દેગામ સ્થિત વારી એનર્જી લિમિટેડ કંપનીના સ્ટોર રૂમમાંથી ચોરેલ હોવાનું બહાર આવ્યું હતું.
આ ઉપરાંત બીજો જથ્થો બામણવેલ ગામના કલવાચ ફળિયામાં રહેતા દશરથ રમણભાઈ પટેલના ઘરે સંતાડેલ હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસે ઈકો કારમાંથી તેમજ બામણવેલ ગામે ઘરમાં સંતાડેલ કુલ 96 જેટલા કાર્ટૂનના પૂઠાંના બોક્ષમાં રાખેલ 1,38,240 સોલારના ફોટો વોલ્ટીક સેલનો રૂ. 1,38,24000 નો જથ્થો ઝડપી પાડી ઈકો કારની કિંમત. રૂ. 2,00, 000તથા મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. 1,40,25,500 ના મુદ્દામાલ કબ્જે કરી મનિષ દિનેશભાઈ નાયકા મિલન શંકરભાઈ ધોડિયા પટેલ તથા પ્રિતેશ વિજયભાઈ ધોડિયા પટેલ એમ ત્રણ જેટલા સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરોક્ત આરોપી પૈકી પ્રિતેશ ધોડિયા પટેલ અગાઉ આ સોલર કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ કોઈક કારણોસર નોકરી છોડી દીધી હતી. બનાવ અંગેની ફરિયાદ કંપનીના ડેપ્યુટી મેનેજર એચ.આર સગરભાઈએ નોંધાવી હતી. ઉપરોક્ત ચોરીમાં કંપની ના અન્ય કેટલાક સ્ટાફની પણ સંડોવણી બહાર આવવાની શકયતા જણાઈ રહી છે. વધુ તપાસ પી.એસ.આઈ શ્રી કે.જે.ચૌધરી કરી રહ્યા છે.

