કપરાડા: વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના અંભેટી ખાતે પોષણ માહની ઉજવણીના ભાગરૂપે કપરાડા-૨ નાં અંભેટી સેજાની આંગણવાડી બહેનો દ્વારા “પોષણ ગરબો” તેમજ મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ લાભાર્થીઓને આંગણવાડીમાં ચાલતી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે નવરાત્રીના પર્વને અનુરૂપ પોષણનો ગરબો કરી પોષણસુધા, દૂધસંજીવની, ટેકહોમરાશન, કુપોષિતબાળકોને CMTCમાં દાખલ કરવા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરેની માહિતી આપવામાં આવી હતી. તદઉપરાંત કાર્યકર બહેનો દ્વારા ટેકહોમ રાશનમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને આ વાનગીઓ કઈ રીતે બનાવવી તેની સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં અંભેટી સેજાના સુપરવાઇઝર ટ્વિન્કલ વિરાણી દ્વારા ગ્રામજનોને પોતાના બાળકોને આંગણવાડીમાં નિયમિત મોકલવવા તથા બાળકના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી હતી. પોષણ ગરબામાં રજૂ કરાયેલી તમામ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનોના સહયોગથી મતદાન જાગૃતિ અંગે રંગોળી અને પોષણતોરણ બનાવવામાં આવ્યા હતા.