મહીસાગર: કડાણા ડેમ ઉપર સ્થિત આદિવાસી સમાજના આરાધ્ય ભગવાન, ગુરુ, માર્ગદર્શક બિરસા મુંડાની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવેલ છે જેથી આદિવાસી સમાજના લોકો યુવાઓ નારાજગી સાથે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
મહીસાગર સહિત ગુજરાતભર અને અન્ય રાજ્યના આદિવાસી યુવા કર્મશીલ, સામાજિક અને રાજકીય આગેવાનો ટ્વિટરના માધ્યમથી મહીસાગર પ્રશાસન અને ગુજરાત સરકાર તપાસ કરી અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવામાં આવે સાથે જ પુનઃ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે એવી માગ કરી રહ્યાં છે.
દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.જીતેન્દ્ર મીણાએ ટ્વીટ કરી કહ્યું, હંમેશા બિરસા, આંબેડકર, ગાંધી, ફૂલેની પ્રતિમાઓ તોડવામાં આવે છે. વધુમાં લખ્યું છે કે, આદિવાસી, વંચિત, દલિત સમાજ તમે જાણો છો આવું કેમ થાય છે? કારણ કે આપણા પૂર્વજોના વિચાર અને એમના સંઘર્ષએ લોકોને ડરાવે છે, એટલે આપણા વચ્ચેથી એમને ખતમ કરવા માંગે છે.
બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત અધિકાર અને જળ જંગલ જમીન બચાવવા માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશાસન સામે પણ બાથ ભીડી હતી. સ્વાતંત્ર્યસંગ્રામ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન આ દેશ ક્યારેય ભૂલી શકે નહીં.

