ડોલવણ: છેલ્લા ત્રણેક દિવસમાં પડેલા સતત ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાના ઉમરવાવદૂર (દેગડી ફ.)માં રહેતા ગીરીશભાઈ મંજીભાઈ ચૌધરીનું ઘર ગતરોજ સવારે 10:45 વાગ્યા દરમ્યાન ઘર પડી જવાની ઘટના બનવા પામી હતી.

Decision Newsને મળેલી જાણકારી મુજબ ગીરીશભાઈ મંજીભાઈ ચૌધરીનું પરિવાર ખુબ જ ગરીબ છે અને ઘર પડી જવાની સ્થિતિ પડતા પર પાટુ જેવી થઈ ગઈ છે. તો આ બાબતે સામાજિક સંસ્થાઓ કે વહેલી તકે તંત્ર કોઈ સહાય પહોંચાડે એવી પરિવાર આશા સેવી રહ્યું છે.

આ ઉપરાંત ગામના મુખ્ય કોતરનું દર વરસે થતુ ધોવાણ છેક ગીરીશભાઈ ચૌધરીના ઘર પાસે પહોંચી ગયું છે અને ગ્રામ પંચાયતને ધોવાણ અટકે એ માટે ધક્કો મંજુર કરવા ઘણી રજૂઆત કરી છે પણ હજી સુધી બન્યુ નથી. ચૂંટણી સમયે ગત ટર્મ અને હાલના સરપંચ 45 ફૂટ લાંબો ધક્કો મંજુર થઈ ગયો છે એમ કહી માપણી પણ કરી ગયેલ હતા. પણ હજુ સુધી સ્થળ પર કામની જગ્યાએ મીડું છે.