ભરૂચ: કેવા દહાડા આવ્યા છે.. બાપ રે બાપ.. હવે ઘર તો ઠીક હવે તો પોલીસ ચોકીઓ પણ સુરક્ષિત રહી નથી. ગતરોજ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલની પોલીસ ચોકીમાંથી ચોરો ખુરશી ચોરી ગયાની ઘટના બહાર આવતાં લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે અંકલેશ્વર શહેરના મુખ્યમાર્ગો પર વાહનોની અવરજવર વધી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા ત્રણ રસ્તા સર્કલ પર ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુસર જવાનો માટે પોલીસ ચોકી બનાવી તેમાં થાકેલા જવાન માટે ખુરશીની વ્યવસ્થા ઉભી કરી હતી ત્યારે ગતરોજ રાત્રી દરમિયાન પોલીસ ચોકી માંથી ચોરો ખુરશી જ ચોરી ગયા હતા સવારે જવાનો એ જોયુ તો ખુરશી ગાયબ હતી.
આપણે જાણીએ છીએ કે રાત્રે મોડા સુધી મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રોડ પર હોય છે અને સાથે રાત્રી દરમિયાન પેટ્રોલિંગ પોલીસ ગાડીઓ પણ ફરતી રહે છે ત્યારે આ ઘટનાને લઈને ચોરની ચાલાકી માટે શાબાસી આપવી જોઈએ કે પોલીસની બેદરકારી પર ચિંતન કરવું જોઈએ એવા સવાલો સ્થાનિક સ્તરે લોકો ઉઠાવતા હોવાનું સુત્રો જણાવે છે.

