ગુજરાત: ગતરોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સયુંકત મોરચાની વિવિધ માંગો સાથે શરૂ થયેલા આંદોલનનો આજે દેખીતી રીતે અંત આવ્યો હોય તેમ લાગે છે. 6 મિટિંગ કર્યા બાદ આજે સરકારે કર્મચારી મહામંડળની વિવિધ 15 જેટલી માંગણી ઉકેલી હોવાની જાહેરાત કરી છે. સરકારે જૂની પેન્શન સ્કીમ શરૂ કરવાના મુદ્દાને ઢાલ બનાવી કર્મચારી મહામંડળ અને રાજ્ય સયુંકત કર્મચારી મોરચાના આગેવાનો આંદોલન કરી રહ્યા હતા. પરંતુ સરકારે આ જ મુદ્દો વિચારાધીન રાખ્યો છે. આગેવાનો અને સરકાર કહી રહી છે કે આ મુદ્દે હજુ પણ ચર્ચા ચાલુ રહશે.
સરકાર દ્વારા વિવિધ મુદ્દા અને માંગનું નિરાકરણ લાવવાની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, આ માંગનો લાભ એવા જ કર્મચારીઓને મળશે કે જે કર્મચારીઓ સોમવારથી ફરજ પર હાજર થશે આમ, સરકારે હડતાળિયા કર્મચારીઓને આડકતરી ચીમકી આપી ફરજ પર હાજર થવા કડક સૂચના આપી છે.
કર્મચારી મહામંડળે ગુજરાત સરકારે 2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની જાહેરાતનો વિરોધ કરતાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, એ યોજના તો ચાલુ જ છે, અમારી માંગ 2005 પછી નોકરીમાં જોડાયેલા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની માંગ હતી. જેથી અમે સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ, આવતીકાલે શનિવારે સરકાર સમક્ષ લેખિતમાં વિરોધ નોંધાવવામાં આવશે. રાજસ્થાન સરકારની જેમ જ ગુજરાતમાં નવી પેન્શન સ્કીમ (NPS) રદ કરવામાં આવે તેવી માંગણી છે.
કેન્દ્ર સરકારના બે વર્ષ પહેલાંના ઠરાવનો હવે અમલ કરે છે. તેમણે વધુમાં કર્મચારીના પગારમાંથી 10 ટકા તથા સરકારમાંથી 10 ટકા રકમ જમા થતી હતી. તેમાં 14 ટકા કર્યા છે. પરંતુ આ કેન્દ્ર સરકારના બે વર્ષ પહેલાંના ઠરાવનો અમલ હવે સરકાર કરશે.
ચાલુ નોકરીએ મૃત્યુ પામનારને રહેમરાહે નોકરી આપો. રહેમરાહે નોકરીના બદલે 8 લાખના સ્થાને 14 લાખ રૂપિયા આપવાની સરકારની જાહેરાતને વખોડી કાઢતાં તેમણે વધુમાં કહ્યું છે કે, ચાલુ નોકરી દરમ્યાન મૃત્યુ પામનારા કર્મચારીના સભ્યને રહેમરાહે નોકરી આપવાની અમારી માંગ છે. તેનો ઉકેલ આવ્યો નથી. તે જ રીતે કુટુંબ પેન્શન યોજનામાં અપંગ યુવતીને જ નહી બલકે અપરીણીત યુવતીને પણ તેનો લાભ આપવો જોઈએ તેવી અમારી માંગણી સંતોષવામાં આવી નથી. તેથી આ તમામ મુદ્દે અમારો વિરોધ ચાલુ છે. આ અંગે આવતીકાલે શનિવારે સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે.
જુની પેન્શન સ્કીમ શું છે. જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ સમયે કર્મચારીના વેતનની અડધી રકમ પેન્શનના રૂપે અપાતી હોય છે જૂની પેન્શન સ્કીમમાં કર્મચારીના પગારમાંથી કોઈ નાણાં કપાતાં નથી. જૂની પેન્શન સ્કીમની ચુકવણી ટ્રેઝરી માધ્યમથી થાય. આ સ્કીમમાં રૂ. 20 લાખ સુધીની ગ્રેજ્યુઈટીની રકમ મળી શકતી આ સ્કીમમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ જીપીએફની જોગવાઈ છે આ સ્કીમમાં નિવૃત્ત કર્મચારીનું મૃત્યુ થતાં તેનાં પરિવારજનને પેન્શનની રકમ મળે છે.

