વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના કેટલાક લોકો દિપડાના ચામડાને લાખોમાં વેચવાની ફિરાકમાં હોવાની બાથમી મુંબઇ વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યુરોને મળી હતી અને તેઓ દ્વારા વલસાડ ઉત્તર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. અને વાંસદા પૂર્વ વન વિભાગ અને ધરમપુર વન વિભાગ બંને મળીને વાંસદાના ગામડાઓમાં તપાસ કરતાં વન્ય પ્રાણી દિપડાનું ચામડુ સાથે આરોપીઓ પણ ઝડપાય ગયાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા પૂર્વ વન વિભાગ અને ધરમપુર વન વિભાગ સાથે સ્થાનિક વન અધિકારીઓએ વાંસદાના ખાટાઆંબા, બોરીયાછ સહિતના ગામડાઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખાટાઆંબા ચીંટુ ગાંવિત, નગીન ચૌધરી, નરોત્તમ ભોયા અને બોરીયાછ ગામના રણજીત વળવીની પાસેથી વન્ય પ્રાણી દિપડાનું ચામડુ મળી આવ્યું હતું. વન અધિકારીઓએ દિપડાનું ચામડુ કબ્જે લઈ ચારેયની ધરપકડ કરી હતી. જ્યારે તેમની સાથે સંડોવાયેલા અન્ય ત્રણ લોકોને પણ અટકમાં લઈ પૂછપરછ આરંભી છે.
વન વિભાગ દ્વારા પ્રાથમિક તપાસમાં આરોપીઓએ જણાવ્યું કે દોઢ વર્ષ અગાઉ પંચાયત ચૂંટણી સમયે બોરીયાછ ગામના રણજીતના માલિકીના કૂવામાં દિપડો પડ્યો હતો જેનું મૃત્યુ થયું હતું. રણજીતે મૃત દિપડાને બહાર કાઢી ખાટાઆંબા ગામના મિત્રોને જાણ કરી અને પોતાની સાથે લઈ મૃત દિપડાની ચામડી કાઢી હતી. અને બાકીના અવશેષો કુવા નજીક ખાડો ખોદી પુરી દીધાં હતા. તેઓએ આ ચામડું ડાંગના સુરગણા સાધુ મહારાજને પૂજામાં બેસવા આપ્યું પણ પછી અમુક મહિના બાદ પાછું લઇ આવ્યા હતા. અને હાલમાં તેઓ ચામડુને 0 થી 15 લાખમાં વેચવાની ફિરાકમાં હતા. આ બધા જ આરોપીઓ આંકડાનો જુગાર રમાડતા હોવાથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. વન વિભાગે હાલ સુરગણાના મહારાજને શોધવાની શોધખોળ આરંભી છે. હાલમાં તમામ આરોપીઓ જેલની સળિયા પાછળ ધકેલાયા છે.

