અમદાવાદ: આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ અમદાવાદના મેમનગર ખાતે BRTS બસમાં આગ લાગ્યાનો બનાવ બન્યો છે. આગને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને બસમાં આગ લાગવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયાના હોવાનું જાણવા મળ્યું છે.
ન્યુઝ18 ના અહેવાલ મુજબ મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સવારે એક બસમાં આગ લાગી ગઈ હતી. શરૂઆતમાં એન્જિનમાંથી ધૂમાડો બહાર નીકળવા લાગ્યો હતો. સમયસૂચકતા વાપરીને ડ્રાઇવરે તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. જોત જોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગી તે પહેલા બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. તમામને સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. સવારે 8:30 વાગ્યાની આસપાસ બસમાં આગી લાગી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
જે બસમાં આગ લાગી હતી તે બસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે ઊભી હતી. આગ લાગવાને કારણે BRTS બસ સ્ટેન્ડને પણ થોડું નુકસાન થયું હતું. આગની ઘટના બાદ ઘટનાસ્થળ ખાતે લોકોને ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. આ અંગેની તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે.

