ગાંધીનગર: આજે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારઓ, ખેડૂતો અને માજી સૈનિકોના આંદોલનથી ધમધમી ઉઠ્યું હતું. આંદોલનકારીઓને રોકવા પોલીસના ધાડેધાડા ઉતારી પાડવામાં આવ્યા હતા. જેના કારણે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું .
સચિવાલય ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુખ્ય ગેટ તરફથી આવતા તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યાં હતાં. ખેડૂતો અને માજી સૈનિકોની સાથે સાથે આજે આરોગ્ય કર્મચારીઓએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. પગાર સહિતના મુદ્દે છેલ્લા એક માસથી હડતાળ પર છે. આજે સમગ્ર રાજ્યમાંથી 4 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ઉમટી પડયા હતા. તેઓએ સચિવાલય ઘેરાવનો કાર્યક્ર્મ આપ્યો હતો. જિલ્લા પંચાયત પાસે એકઠા થયા હતા. જ્યાંથી તેઓએ સચિવાલય ઘેરાવનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને અટકાવ્યા હતા. બંને વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યાબાદ આંદોલનકારીઓ જ રોડ પર જ ધરણાં પર બેસી ગયા હતા. જેના કારણે ચ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેના કારણે ટ્રાફિકને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. જોકે મોડી સાંજે તેઓ વિખેરાયા હતા.
આ અગેવાનોનો આરોપ છે કે, કમિટી દ્વારા મુખ્યમંત્રી સુધી સાચી રજૂઆતો પહોચાડવામાં આવતી નથી. આરોગ્ય કર્મચારીઓએ આગમી સપ્તાહ સુધીમાં વિવિધ કાર્યક્રમો આપ્યા છે. જે અંતર્ગત કાલે રેલી કાઢવામાં આવશે બીજીતરફ આજે ખેડૂતો પણ લડાયક મૂડમાં જોવા મળ્યાં હતા. આજે ખેડૂતોએ બલરામ ભવનથી ટ્રેકટર રેલી કાઢી મુખ્યમંત્રી નિવાસ્થાન તરફ કૂચ કરી હતી. જોકે પોલીસે તેમને ચિલ્ડ્રન યુનિવર્સિટી નજીક અટકાવ્યા હતા. જ્યારે બીજીતરફ છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરી રહેલા માજી સૈનિકોએ પણ આજે ધરણાં અને સૂત્રોચ્ચાર કર્યા હતા. બે દિવસ પર્વે રેલી દરમિયાન એક માજી સૈનિકના મોત બાદ માજી સૈનિકો સચિવાલય સામેની ફૂટપાથ પર ધરણાં પર બેઠા છે.

