વાંસદા: વાંસદાના લાછકડી ગામનો યુવાન રવિવારના રોજ પોતાની બાઈક સાથે ગુમ થઈ ગયો હતો તેની શોધખોળ કરતાં તેની બાઈક વાંસદાના જ કાવડેજ ગામમાં અને તેની લાશ ગામના સાવરીના ડોકરડા ડુંગર પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
Decision News સાથે વાત કરતાં ગામના યુવાનો જણાવે છે કે વાંસદાના લાછકડી ગામના વજરા ફળિયામાં સંદીપ ગંભીરભાઇ ગાંવીત રહેતા હતા તેઓ કપરાડા તાલુકામાં પનાસ ગામે ગ્રામ સેવકની નોકરી કરતાં હતા, તેઓ રવિવારે પોતાની બાઈક લઈ સવારે નિકળી ગયા હતા સાંજે ઘરે પરત ન ફરતા ઘરના સદસ્યોએ તેના મોબાઈલ પર ફોન કરી જોયો હતો પણ ફોન બંધ આવતાં શોધખોળ શરુ કરી હતી ત્યારે તેની બાઈક વાંસદાના કાવડેજ ગામે ભીલીયા ડુંગર પાસેથી મળી આવી અને લાછકડી ગામે આવેલ સાવરીના ડોકરડા ડુંગર ઉપર સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.
આ બાબતે મૃતકના પિતા ગંભીરભાઇ દુધલભાઇ ગાંવીતે ગુરુવારે રાત્રે વાંસદા પોલીસ મથકે ઘટનાની વિગતો લખવી હતી. વાંસદા પોલીસે લાશને કબ્જે લીધા બાદ ફોરેસન્સિક પી.એમ. મોકલાવી હતી. લોકો કહી રહ્યા છે કે આ આત્મહત્યા નહિ પણ અજાણ્યા કારણસર થયેલી હત્યા છે હવે જે સત્ય હશે તે પોલીસ તપાસમાં બહાર આવશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.