પારડી: 69 વર્ષ પહેલાં થયેલા ખેડ સત્યાગ્રહની યાદમાં દર વર્ષે 1 સપ્ટેમ્બરની જેમ ગતરોજ વલસાડ જિલ્લામાં ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઇ હતી.જેમાં ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 1953 માં આ વિસ્તારના ઇશ્વરભાઇ દેસાઈ અને ઉત્તમ ભાઈ પટેલની આગેવાનીમાં આ વિસ્તારના હજારો જમીન વિહોણા આદિવાસી ખેત મજૂરોને જમીનના હક અપાવવા માટે ખેડે તેની જમીનના ઉદ્દેશ સાથે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ યોજાયો હતો. જે સફળ થતાં દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે જમીન વિહોણા આદિવાસી ખેત મજૂરોને 6700 એકર જેટલી જમીનના હક્ક અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારથી દર વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ રેલી યોજાઇ છે. આ વખતે યોજાયેલા ખેડ સત્યાગ્રહ માં કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્મા, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસના યુવા ધારાસભ્યો જીજ્ઞેશ મેવાની, અનંત પટેલ, સહિત વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણી વસંત પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ખેડૂત સત્યાગ્રહના સભામંચ પરથી કોંગ્રેસના અગ્રણીઓએ વિવિધ મુદ્દે ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકાર પર વર્તમાન સરકારને ખેડૂત વિરોધી હોવાના ગંભીર આક્ષેપો કરી ભાજપની સરકારોને ઉખાડી ફેંકવા માટે સભામાં ઉપસ્થિત ખેડૂતોને હાકલ કરી હતી.